• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કુકમાની વાડીના બોરમાં યુવાન પડયો : બચાવકાર્યનો ધમધમાટ

ભુજ, તા. 6 : આજે સાંજે કુકમાના આશાપુરા ટેકરી પાછળ વાડીના બોરમાં મૂળ ઝારખંડનો 18-20 વર્ષીય શ્રમજીવી યુવાન રુસ્તમ મકસુખ શેખ પડી જતાં તેને બચાવવા તંત્ર દોડધામમાં મુકાયું છે. આ લખાઇ રહ્યું છે, ત્યારે રાતના 10 વાગ્યા સુધી બેથી ત્રણ પ્રયાસ યુવાનને બોરમાંથી કાઢવાના કરાયા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. આ ઘટના અંગે ઘટનાસ્થળ પરથી પ્રાપ્ત વિગતો મુજબ રુસ્તમ અહીંની વાડીમાં દાડમ કટિંગ તથા દાડમ પર કવર ચડાવવાનું કામ કરે છે. આજે સાંજે તેના ઘરવાળા રાશન લેવા ગયા હતા, તે દરમ્યાન સાંજે 6.30થી 7 વાગ્યાના અરસામાં કોઇ રીતે રુસ્તમ બંધ બોરમાં ખાબકી ગયો હતો. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે જિલ્લા વહીવટી તંત્ર, પદ્ધર પોલીસ તથા નગરપાલિકાની ફાયર ટીમ, કુકમા ગ્રામ પંચાયતના લોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા. બચાવકાર્ય અર્થે ભુજ નગરપાલિકાની ફાયર ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ વચ્ચે એનડીઆરએફ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવાઇ છે અને આ ટીમ પણ બચાવકાર્યમાં જોડાઇ છે. આરોગ્ય તંત્રને જાણ કરીને ઓક્સિજનના બાટલા તથા 108ને પણ સ્થળ પર તૈનાત રખાઇ છે.

Panchang

dd