ભુજ, તા. 30 : છેલ્લા દોઢ-બે વર્ષથી ધાર્મિકસ્થાનોને નિશાચરો નિશાન બનાવતા આવ્યા હોવાથી આવા અનેક કેસના ભેદ ન ઉકેલાતા પોલીસ પર ભીંસ વધી હતી. આ વચ્ચે આજે માનકૂવા પોલીસ અને એલસીબીએ સંયુકત રીતે પશ્ચિમ કચ્છની ચકચારી રૂદ્રમાતા મંદિર સહિત આઠ મંદિર ચોરી અને હાલની જ માનકૂવા સમાધિ સ્થળ પાસેની લૂંટનો ભેદ ઉકેલી બે આરોપીને દબોચી લીધા છે જ્યારે એક પકડવાનો બાકી છે. મંદિરચોરી અને લૂંટના બનાવના આરોપીઓને પકડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અલગ-અલગ ટીમો અને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના ઉપયોગથી પ્રયત્નશીલ હતી. બીજી તરફ હાલમાં થોડા દિવસો પૂર્વે માનકૂવાના સમાધિ સ્થળે રાત્રે ત્રણ બુકાનીધારીએ રોકડા રૂા. 20 હજાર તથા એકટીવાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. પીઆઇ ડી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ લૂંટના આરોપીઓને પકડવા પોલીસની ટીમો પ્રયાસમાં હતી ત્યારે લૂંટાયેલી એકટીવા કેરામાંથી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. આમ તેના પરથી માનકૂવાના એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહે પગેરું દબાવતા બાતમી મળી કે, અગાઉ અનેક ચોરીમાં પકડાયેલો રશિદ ઉર્ફે વલો દેશર સમા (રહે. નાના દિનારા-ખાવડા) અને તેના બે સાગરિતોએ લૂંટને અંજામ આપ્યો છે. આથી રશિદ અને અલિમ શકુર સમાને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા સમાધિ સ્થળ વાળી લૂંટ કબૂલી લીધી હતી. આ તપાસ દરમ્યાન ઝીણવટભરી રીતે યુક્તિ-પ્રયુક્તિથી પોલીસે પૂછતાછ આદરતા આરોપીઓએ વર્ષ 2022થી 2023 દરમ્યાન આઠ મંદિરને નિશાન બનાવ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓ બુકાની પહેરી મંદિરોની દાનપેટીને નિશાન બનાવતા હતા.આ કામમાં સહ આરોપી હાસમ ઓસમાણ વાંઢા (રહે. સાધારા-ખાવડા)ને પકડવાનો બાકી છે. આરોપીઓ પાસેથી લૂંટેલી એકટીવા, રોકડા રૂા. 10,000 તથા એક મોબાઇલ કિ. રૂા. 4000કબજે લેવાયા છે, બીજીતરફ રશિદ વિરુદ્ધ તો 17 જેટલા ચોરી, ઘરફોડી સહિતના ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા હોવાથી તે રિઢો ગુનેગાર છે. આ કામગીરીમાં માનકૂવાના પીઆઇ શ્રી ચૌધરી તથા એલ.સી.બી.ના પી.આઇ. એસ. એન. ચુડાસમા તથા પી.એસઆઇ ટી. બી. રબારી, એ.એસ.આઇ. બ્રિજેશભાઇ યાદવ, પંકજકુમાર કુશવાહા, પ્રેમજીભાઇ ફનેજા, પો. હે. કો. હેમલભાઇ ચૌધરી, વિજયભાઇ બરબસીયા, ઉપેન્દ્રસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. ઇશ્વરભાઇ પરમાર, વિક્રમકુમાર ગેલોત, કિરણભાઇ પુરોહિત, જી.આર.ડી. મહેશભાઇ, એલસીબી સ્ટાફ તથા હે. કો. મહિપાલસિંહ પુરોહિત, સુનિલભાઇ તેમજ ખાવડા પોલીસ સ્ટેશનના હે. કો. ફલજીભાઇ ચૌધરી તથા કોન્સ. રમેશભાઇ પ્રજાપતિ પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
આ આઠ મંદિર નિશાન બન્યા'તાં
1- દેઢિયાનું મતિયાદેવ મંદિર 2 - ઉખેડામાં હનુમાનજી મંદિર 3 - માંડવીમાં શાંતિનાથદાદા તથા ચંદ્રપ્રભુજી સ્વામીનાં મંદિર 4 - રૂદ્રમાતા જાગીરમાં આવેલ મંદિર 5 - કોડાય પુલ પાસે બૌંતેર જિનાલય 6 - બિદડામાં પાટીદાર સમાજવાડીમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર 7 - નાના ભાડિયામાં જૈન દેરાસરના ગર્ભગૃહ અને રાવળપીરદાદા મંદિર 8 - બાંડિયામાં જૈન સમાજના કુળદેવી આશાપુરા માતાજી મંદિર.