ગાંધીધામ, તા. 24 : ગુજરાતના ચોખાના નિકાસકાર ઉપર
વિદેશની પાર્ટીએ નૂર-ભાડાં બાકી રહેવા અંગેના કરેલા દાવાને
ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખ્યો છે. વડી અદાલતના આ આદેશથી નિકાસકારોને મોટી
રાહત મળી છે. આ કેસની વિગતો મુજબ ગુજરાના નિકાસકારે સિંગાપોરની કંપનીના જહાજમાં કંડલાથી
આફ્રિકાના દેશમાં ચોખા મોકલવા માટે માલ ચડાવ્યો હતો. જે ત્રણ પોર્ટમાં અનલોડ કરવાના
હતા. મલેશિયાની કંપનીને સિંગાપોરની કંપની પાસેથી પૈસા લેવાના બાકી હતા, તેથી અમદાવાદની નિકાસકાર પેઢી આ પૈસા આપે તેવો
આદેશ દુબઈની કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાંથી મેળવ્યો હતો. ભારતીય લવાદ અધિનિયમ નવ હેઠળ આ દાવો કરાયો હતો. દાવાની રકમ
3 બિલિયન ડોલર ભારતીય મૂલ્ય મુજબ 25.50 કરોડ જેટલી હતી. દુબઈની કંપનીએ
કરેલા ઓર્ડરને ગુજરાતની નિકાસ કંપનીએ પડકાર્યો હતો. નિકાસકાર તફરથી હાજર રહેલા વકીલોએ એવી દલીલ કરી હતી કે, નિકાસકારોની પાસે કોઈ નૂરની બાકી ચૂકવણી રહેતી
નથી અને લવાદની કલમ નવ હેઠળ બિનહસ્તાક્ષરકર્તાઓને
આર્બિટ્રેશનમાં જોડવું ન્યાય સંગત નથી. કાનૂની ટીમ દ્વારા કોક્સ એન્ડ કિંગ્સ અને એસ.એ.પી.
ઈન્ડિયા જેવા દાખલાઓ રજૂ કર્યા હતા અને દુબઈની કંપનીએ કરેલા દાવાને નકારી કાઢયા હતા.
ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી ચાલેલા આ
કાનૂની જંગમાં ચારેક વખત સુનાવણી થઈ હતી. બે દિવસની સખત કાનૂની દલીલો બાદ દુધઈની અરજદાર
કંપનીએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. નિકાસકાર તરફે દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય
વેપાર કાયદાના એડવોકેટ સુકુમાર મહેશ તીર્થાણીએ દલીલો કરી હતી. એડવોકેટ દેવાંગ નાણાવટીએ દલીલોનું નેતૃત્વ કર્યું હતું. ધવલ વ્યાસ,
વૈભવ ગોસ્વામી, નિકાસકારના વિદેશી ખરીદદાર માટે
હાજર રહ્યા હતા.