• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

સસ્તાં સોનાની લાલચે બનાસકાંઠાના વેપારી સાથે 5.44 લાખની ઠગાઈ

ભુજ, તા. 29 : તાલુકાના સુખપર નજીક સસ્તાં સોનાની લાલચ આપી બનાસકાંઠાના વેપારી સાથે રૂા. 5,44,000ની છેતરપીંડી કરનારા માંડવીના ઈમરાન, સિકંદર તથા ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ માનકૂવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદી દેવાભાઈ ચેલાભાઈ ચૌધરીને આરોપી ઈમરાન સુખપર-રતિયા માર્ગ પર આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં સિકંદરે રૂા. 6,20,000ની કિંમતનું 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું, જે લેવાની ફરિયાદીએ હા પાડી હતી અને લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાનું કહેતાં આરોપીઓએ એક લાખ જમા કરાવવા કહ્યું હતું. ત્યારબાદ ઓનલાઈન નાણાં આપ્યા હતા. સોનું ખરું હોવાનું સાબિત થયા બાદ 200 ગ્રામ સોનું લેવાનું નક્કી થયું હતું, જેના પેટે જુદા-જુદા ટ્રાન્ઝેક્શનથી કુલ 5.44 લાખ આરોપીઓને આપ્યા હતા. નાણાં મળ્યા બાદ ઈમરાન સહિતના આરોપીઓએ સોનું લેવા માટે વિવિધ જગ્યાએ બોલાવ્યા છતાં સોનું આપ્યું નહોતું અને ફરિયાદીના ફોન પણ ઉઠાવ્યા નહોતા.તેથી પોતે છેતરાયા હોવાનું સમજાતાં પોતાના માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની છાનબીન આદરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang