ગાંધીધામ, તા.
1 : આ શહેરમાં ફાઇનાન્સ કંપનીને આપેલા ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે બે શખ્સને એક વર્ષની
કેદની સજા ફટકારી હતી, જ્યારે વાણિજ્યિક ગેસ સિલિન્ડરની ખરીદી પેટે આપેલા બે ચેક રિટર્ન
થવાના બનાવમાં આરોપીને છ માસની સજાનો હુકમ કરાયો હતો. બનાવની વિગત એવી
છે કે, ફરિયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિ. પાસેથી આરોપી મહેશ દેવશી હડિયા
અને માયા વેલજી મહેશ્વરીએ જુદી-જુદી લોન લીધી હતી, જેના પેટે ચેક આપ્યા હતા. આ ચેક
બેન્કમાંથી પરત થતાં કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી દીપક પી.
ભાનુશાલી તથા નરેશ એમ. ધેડાની દલીલોને ધ્યાને લઇ ગાંધીધામના ત્રીજા અધીક ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ દ્વારા બન્ને આરોપીને એક-એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ચેકની
રકમ રૂા. 18 લાખ અને રૂા. છ લાખ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરાયો હતો. અન્ય એક કેસમાં
આરોપી ઉમેશ એસ. લાલવાની દ્વારા ફરિયાદી પિટમેન્સ ગેસ કમ્પની પાસેથી વાણિજ્યિક ગેસ સિલિન્ડર
રૂા. 70,000ના લીધા હતા, જેના પેટે બે ચેક આપ્યા હતા, પરંતુ બેન્ક ખાતામાં નાણાં ન
હોવાથી આ ચેક પરત ફર્યો હતો, જેથી ગાંધીધામ કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. આ કેસ ચાલી જતાં
ન્યાયાધીશ એમ.બી. ભાવસાર દ્વારા પુરાવા અને ફરિયાદીના વકીલ એન. જે. તોલાણીની દલીલો
ધ્યાને લઇ આરોપીને છ મહિનાની કેદ તથા ચેકની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.