• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 4 : શહેરના સેકટર-1-એમાં એક ઈમારતમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કૂટણખાનામાંથી 7 રૂપલલનાને મુકત કરાવાઈ હતી તેમજ મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી. શહેરની મામલતદાર કચેરી નજીક સેકટર-1એમાં પ્લોટ નંબર 271માં આવેલા ક્રિસ્ટલ સ્પા નામની દુકાનમાં પોલીસે ગઈકાલે સમી સાંજે કાર્યવાહી કરી હતી. આ સ્પામાં કૂટણખાનું ચલાવાતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને પૈસા આપી સ્પામાં મોકલાવ્યો હતો અને બાદમાં અહીં છાપો મારવામાં આવ્યો હતો. આ સ્પામાંથી સંચાલક, મેનેજર મૂળ રાજસ્થાનના હાલે શક્તિનગરમાં રહેનારા હેમેન્દ્ર લક્ષ્મણસિંઘ રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી. આ સ્પામાં પાંચ રૂમ બનાવી મસાજ તથા શરીર સુખ મેળવવા માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં આવતા હતા. આ કૂટણખાનામાંથી દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, સિક્કીમ, લખનૌ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રની સાત રૂપલલનાઓને મુકત કરાવાઈ હતી. આ સ્પા ગાંધીધામના દેવેન્દ્ર જે. જેઠવાના માલિકીનું હોવાનું બહાર આવ્યું હતું. મેનેજર તથા માલિક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. અહીંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર, રોકડ રકમ, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 16,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્પાની આડમાં મહિલાઓ પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવી ગ્રાહકોને શરીર સુખ માણવા સુવિધા પૂરી પાડનારા આ બંન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang