ભુજ, તા. 23 : ખનિજ અને તેને સંલગ્ન લીઝના મામલે ઉપરાંત ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જૂની અદાવતમાં કારને ટક્કર મારીને ફિલ્મી ઢબે પત્રી ગામના ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાની હત્યામાં ગામના પદભ્રષ્ટ સરપંચ પ્રવીણાબેન વાલજી ચાડ અને ભાજપના તાલુકા કક્ષાના અગ્રણી ધીરુભા રતનજી જાડેજાની જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરીને આ પ્રકરણમાં કડક રૂખ અવિરત રાખ્યો હતો. પ્રવીણાબેન અને ધીરુભાએ કરેલી જામીન અરજી અંગે થયેલી સુનાવણીમાં છઠ્ઠા અધિક સેશન્સ જજે પુરાવા અને કેસની ગંભીરતાને ધ્યાને લઈ નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં જિલ્લાના વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવીની સાથે વાય.વી. વોરા,એ. એન. મહેતા,એચ. કે. ગઢવી અને એસ. એસ. ગઢવીએ ફરિયાદ પક્ષ તરફથી હાજર રહીને દલીલ કરી હતી.