ગાંધીધામ, તા. 12 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં શનિદેવ મંદિરથી આગળ પેટ્રોલપંપની સામે આદિપુરની ભાગોળે આવેલા ઝૂંપડામાં એક શખ્સે બોલાચાલી બાદ રાજુ રેવા દેવીપૂજક નામના યુવાન ઉપર ચાકુ અને ધોકા વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું. બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરની ભાગોળે આદિપુર-અંજાર રોડ ઉપર શનિદેવ મંદિરથી થોડે આગળ પેટ્રોલપંપની સામે આવેલા ઝૂંપડામાં આજે બપોરે હત્યાનો આ બનાવ બન્યો હતો. શાકભાજીની ફેરી કરનાર ફરિયાદી પ્રેમજી રેવા દેવીપૂજક તથા તેમના પત્ની બબીબેન આજે બપોરે પોતાના ઘરે હાજર હતા ત્યારે બપોરના અરસામાં ફરિયાદીનો નાનો ભાઇ રાજુ શાકભાજીની ફેરી કરી પરત ઘરે આવ્યો હતો અને તેણે ફરિયાદીને હું તારી સાળી ચંપાબેનના તેમના દીકરા રામજી પાસે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ફરિયાદી અને તેમના પત્ની ઘરે હતા ત્યારે ચંપાબેન જીવા દેવીપૂજક દોડતા તેમના ઘરે આવી રાજુ અને રામજી અમારા ઘરે બેઠા હતા અને બંને વચ્ચે અચાનક બોલાચાલી થઇ હતી અને રામજી તારાભાઇ?રાજુને ધોકાથી મારે છે, તમે આવીને છોડાવો તેવું કહેતાં ફરિયાદી પોતાના ઘરેથી દોડીને પોતાના સાઢુના ઘરે ગયા હતા. જ્યાં રામજી આ રાજુને ગળેથી પકડીને બેઠો હતો. ફરિયાદી અને અન્યોએ રાડારાડ કરતાં આરોપી રામજીએ રાજુના ગળામાં ચાકુ મારી માથામાં ઉપરા ઉપરી ઘા ઝીંકી ચાકુ લઇને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને લોહી નિંગળતી હાલતમાં ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે અંજાર પી.આઇ. એસ. ડી. સિસોદિયાનો સંપર્ક કરતાં આરોપી રામજી અને રાજુ વચ્ચે કોઇ?જૂનો ઝઘડો હોવાનું જણાય છે. ખરેખર બંને વચ્ચે શું ઝઘડો હતો તેની તપાસ હાથ?ધરવામાં આવી છે તેમજ આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનનું બેરહેમી અને ખુન્નસપૂર્વક ઢીમ ઢાળી દેવાતાં ભારે ચકચાર પ્રસરી હતી.