અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે તેમની યુએસ -કેનેડા મુલાકાતના ચોથા દિવસે વાશિંગ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના
કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2027 સંદર્ભમાં ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રસ્તુતિ કરી હતી.વિશ્વ ઉમિયા
ફાઉન્ડેશન દ્વારા વાશિંગ્ટન ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે ગુજરાતી ડાયાસ્પોરા
સાથે સંવાદ કર્યો હતો. તેમાં ગુજરાતના સર્વાંગી વિકાસ, નાણાંકીય શિસ્ત, નવા રોકાણની તકો તથા ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર,
એઆઈ ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોની વિપુલ વિકાસ
સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ વૈશ્વિક ગુજરાતી સમુદાયને ગિફ્ટ
સિટીમાં રોકાણ કરવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવા, નવા ઉદ્યોગો સ્થાપવા અને
ઉભરતા ક્ષેત્રોનો વિકાસ થાય તે માટે વિવિધ બિઝનેસ બેઠકો યોજાઈ રહી છે. ખાસ કરીને સિલિકોન
વેલી ખાતે યોજાયેલી બેઠકો સફળ રહી હતી. ગુજરાતને દેશના આર્થિક વિકાસમાં મહત્વનું સ્થાન
મળ્યું છે અને હવે નવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે સક્રિય પ્રયાસો થઈ રહ્યાં છે.
ગુજરાતે આર્થિક વિકાસ સાથે પાયાની સુવિધાઓ પર ફોકસ કર્યું છે.