ભુજ, તા. 20 : 21 ઓગસ્ટ, 2026 સિનિયર સિટીઝન-ડે
નિમિત્તે એકસાથે ત્રણ રોગના સંયોજન સામે લડતા સિનિ. સિટીઝનને વિશેષ કાળજી રાખવા જણાવી
અદાણી સંચાલિત ગેઈમ્સના ડાયરેક્ટરે વડીલોનાં સ્વાસ્થ્યનું ગણિત સમજાવ્યું હતું. જી.કે.માં
પ્રતિ માસે લગભગ 3000 જેટલા સિનિ.
સિટીઝનને સારવાર અપાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારતમાં થયેલી મોજણી અનુસાર 60 વર્ષથી ઉપરના લોકોમાં ક્રોનિક
બીમારી, હાડકા અને સાંધાનો દુ:ખાવો તેમ જ માનસિક સ્વાસ્થ્ય
મુખ્ય સમસ્યા પૈકીની મહત્ત્વની છે. ભારતમાં એક સર્વે મુજબ 8 ભારતીયે એક વડીલ છે તેવું જણાવ્યું હતું.
અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણીના
જણાવ્યા મુજબ ક્રોનિક બીમારીમાં બી.પી., ડાયાબિટીસ, હાર્ટને લગતી સમસ્યાઓ સૌથી મોટી છે. ઉંમર
સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી
10માંથી સાત સિનિયરને બી.પી. અથવા ડાયાબિટીસ
હોય છે. આ બંને બીમારી હાર્ટ એટેક, કિડની ફેઈલ અને આંખમાં મોતિયો, બહેરાશ તેમજ પગમાં ઈજા
થવી મુખ્ય છે. જી.કે. માં પ્રતિ માસે લગભગ 3000 જેટલા સિનિયર સિટીઝનને વિનામૂલ્યે સારવાર અપાય છે. બીજા નંબરે
હાડકા અને સાંધાનો દુ:ખાવો થતો હોય છે. કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપથી હાડકાં નબળાં
પડે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ એટલો જ ઘેરો હોય છે. ડિપ્રેશન, ચિંતા, ભૂલવાની બીમારી
થાય છે. ભારતમાં બે કરોડ વડીલો એકલા રહે છે તેથી વધુ પ્રમાણ જોવા મળે છે. ડો. હીરાણીના
જણાવ્યા મુજબ વૃદ્ધાવસ્થા બીમારી નથી પણ કેટલીક ખાસ કાળજી લેવી જરૂરી છે. જેમ કે દર
છ મહિને ચેકઅપ કરાવવું, 30 મિનિટ વાકિંગ અને 15 મિનિટ તડકો લેવો, પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવું. શરીરની બીમારી કરતાં એકલતા અને પડી જવાનો ભય સિનિયર માટે સૌથી મોટી સમસ્યા
બની જાય છે તેમ ઉમેર્યું હતું.