નવી દિલ્હી, તા. 20 : લગ્નજીવન અને છૂટાછેડા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ
કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું
છે કે, વૈવાહિક વિવાદોમાં બાળકોનો પેટરનિટી
ટેસ્ટ (પિતૃત્વ ચકાસણી) કરાવી શકાય છે. સામાન્ય રીતે લગ્નગાળા દરમિયાન જન્મેલાં બાળકની
વૈધતા માન્ય રાખવામાં આવે છે, પરંતુ જો પતિએ પત્ની પર અનૈતિક
સંબંધો કે છેતરાપિંડીનો આરોપ મૂકીને છૂટાછેડા માગ્યા હોય અને દાવો કર્યો હોય કે તે
બાળકના બાયોલોજિકલ પિતા નથી, તો આવા કિસ્સામાં ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ આપી શકાય છે. એક પતિએ પોતાની
પત્ની પર બેવફાઈ અને છેતરાપિંડીનો આરોપ લગાવીને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી
હતી. તેને શંકા હતી કે, બાળકના અસલી પિતા તે પોતે નથી. પતિએ અંગત
ધોરણે હૈદરાબાદની એક લેબમાં બાળકના ડીએનએની તપાસ કરાવી હતી, જેનો
રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે કે તેમાં પતિના પિતા હોવાની શક્યતા શૂન્ય દર્શાવી
હતી. આ રિપોર્ટના આધારે પતિએ પોતાના આરોપો સાબિત કરવા માટે અદાલત દ્વારા વિધિવત ડીએનએ
ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની
બેન્ચે બાળકના પેટરનિટી ટેસ્ટનો વિરોધ કરતી પત્નીની અરજીને ફગાવી દીધી હતી. પત્નીની
દલીલ હતી કે, કાયદા મુજબ કોઈને પણ ડીએનએ ટેસ્ટ માટે મજબૂર કરી
શકાય નહીં. જો કે, બેન્ચે પત્નીની આ દલીલ સામે સવાલ ઉઠાવતા કહ્યું
કે, `જો તમે
સાચા અને ઈમાનદાર છો, તો પછી તમને ટેસ્ટ સામે શું વાંધો હોઈ શકે?' સુપ્રીમ
કોર્ટે પૂણેની ફેમિલી કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના એ આદેશોને યથાવત રાખ્યા હતા,
જેમાં ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની
બેન્ચે નોંધ્યું હતું કે, પતિ દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રાથમિક
ડીએનએ રિપોર્ટ જ અદાલતી આદેશથી ટેસ્ટ કરાવવા માટે પૂરતો આધાર પૂરો પાડે છે. આ કેસમાં
પતિ દ્વારા છૂટાછેડા માગવાનો મુખ્ય આધાર જ પત્ની દ્વારા થયેલી છેતરાપિંડી અને બેવફાઈ
છે. આ સંજોગોમાં પતિ પોતાની વાત સાબિત કરી શકે તે માટે ડીએનએ ટેસ્ટ કરાવવો અત્યંત મહત્ત્વપૂર્ણ
અને જરૂરી બની જાય છે.
ભ્રુણના ગુનામાં પોલીસ એફઆઈઆર ન કરી શકે : અદાલત
નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્ત્વના ચકાદામાં કહેવામાં
આવ્યું છે કે, `પ્રી-કન્સેપ્શન
એન્ડ પ્રી- નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ (પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન) એક્ટ, 1994' (પીસીપીએનડીટી એક્ટ) હેઠળ ભ્રૂણ પરીક્ષણ અંગેના
ગુનાની તપાસ અને એફઆઇઆર સામાન્ય રીતે પોલીસ દાખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું
કે, કાયદા હેઠળ નક્કી કરેલા અધિકારી
જ ભ્રૂણ પરીક્ષણના કેસમાં મુખ્ય ભૂમિકામાં હોવા જોઈએ. જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ એન.કે. સિંહ અને એજી જસ્ટિસ મસીહની બેંચે કહ્યું હતું કે પીસીપીએનડીટી
એક્ટ હેઠળ પોલીસ તપાસકર્તાની ભૂમિકામાં નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અલ્હાબાદ હાઇ
કોર્ટના નિર્ણયથી સહમતી વ્યક્ત કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે આ એક્ટ સંબંધિત કેસ
ટેકનિકલ હોય છે. તેમાં ચિકિત્સકીય જાણકારી અને વિશેષ સંવેદનશીલતાની જરૂર પડી શકે છે.
આ માટે પોલીસને પ્રાથમિક તપાસ એજન્સી બનાવી શકાય નહીં.
સીબીએસઈને ત્રણ ભાષાનીતિ સામે અમલ પહેલાં ફરી
વિચારવા નિર્દેશ : શિક્ષકો કયાંથી લાવશો ?
નવી દિલ્હી, તા. 20 : શાળાઓમાં ત્રણ ભાષાના મુદ્દા પર ચાલી રહેલી દલીલ
હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ
બોર્ડ (સીબીએસઈ), કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ (એનસીઈઆરટી)ને
સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, ત્રણ ભાષાનીતિ લાગુ કરવાની પદ્ધતિ
પર બીજીવાર વિચારણા કરે. સુપ્રીમ કોર્ટે અલબત્ત, નીતિને સાવ રદ
નથી કરી, પરંતુ સીબીએસઅઈને તેના અમલ માટેના વ્યાવહારિક પાસાંઓ
પર ફરી વિચારવા કહ્યું હતું. અદાલતે સીબીએસઈ વતી હાજર અધિક સોલિસીટર જનરલ ઐશ્વર્યા
ભાટીને સંબંધિત તજજ્ઞો, નીતિ નિર્માતાઓ સુધી અદાલતની ચિંતાઓ પહોંચાડી,
નવાં વલણ સાથે પાછા આવવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત,
જસ્ટિસ જોય માલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે ત્રણ ભાષાનીતિ વિરુદ્ધ
અરજીઓની સુનાવણી કરી હતી. શાળાઓમાં પ્રસ્તાવિત 23 ભાષા ભણવા માટે પૂરતી સંખ્યામાં પ્રશિક્ષિત શિક્ષકો છે. શિક્ષકો કયાંથી લાવશો.
પુસ્તકો પણ છે ખરા, તેવા સવાલો સુપ્રીમે કર્યા હતા. જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણમાં પહેલાંથી ભાષાઓ પસંદ કરીને ભણતા છાત્રોને તરત નવી નીતિમાં લાવવા
કરતાં રાહત આપી શકાય તેમણે અંગ્રેજીને `િબનમાતૃભાષા' રૂપે ગણવા સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે
અંગ્રેજી અનેક રાજ્યોમાં સત્તાવાર ભાષાનો દરજ્જો ધરાવે છે.