• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

મથલમાં ઘાસડેપોની માલધારીઓની માંગ

નખત્રાણા, તા. 20 : તાલુકાના મથલ અને નારાણપરની જિલ્લા કલેક્ટર સાથે તંત્રે મુલાકાત લેતાં માલધારીઓએ વરસાદની અછત હોવાથી ઘાસડેપો મંજૂર કરવા માંગ કરી હતી. તો નારાણપરમાં મધ્યાહન ભોજન યોજનાના રૂમ માટે પાંચ લાખની ગ્રાન્ટ અંગભૂત યોજનામાંથી ફાળવી હતી. મથલ ગ્રામ પંચાયતની જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સાથે પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ, ટીડીઓ હાર્દિક ગઢવી, પીઆઇ એ. એમ. પટેલે મુલાકાત લઇ સરપંચ હુશેન ખલીફા, સદસ્યો અને આગેવાનો સાથે યોજેલી બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવા, ધો. 11-12 શરૂ કરવા, મધ્યમ સિંચાઇના મથલ ડેમની નવી કેનાલ બને તો ઉમરાપર તથા રાયણને સિંચાઇનો લાભ મળે તેવી રજૂઆતો કરાતાં નોંધ લેવાઇ હતી. બેઠકમાં આગેવાનો દશરથસિંહ જાડેજા, નરસિંહ ભટ્ટ, કરશન ભધરૂ, હરેશ વાઘેલા, હાજી ફકીરમામદ સાટી, યુસુફ ખલીફા, હાજી ફકુભાઇ લુહાર, યુસુફ કુંભાર, ઇશ્વર પટેલ, ભીમજી પીંજારા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તલાટી યોગેન્દ્રસિંહજી જાડેજાએ કર્યું હતું. મથલમાં પાંચ ખેડૂતોએ ખરીદેલા ટ્રેક્ટરોની સબસિડીની સ્થળ પર મંજૂરી આપી હતી. બિયારણ આપવા મંજૂરી અપાઇ હતી. નારાણપર ગામે સરપંચ રામાભાઇ રબારી, ઉપસરપંચ હરેશભાઇ રામાણી તથા આગેવાનો સાથેની બેઠકમાં મધ્યાહન ભોજનના રૂમ માટે રૂા. પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી પ્રા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા હતા. ગ્રામજનોની બેઠકમાં સીમતળની જમીન માપણીની દરખાસ્ત તથા પશુઓ માટે ઘાસચારાની જોગવાઇ કરવા માંગ કરાઇ હતી. ગામના અગ્રણીઓ રતનશી રામાણી, રામજી બળિયા, મણિલાલ રામાણી, મોહનલાલ રામાણી, વસંત રામાણી, તુલસી ઘોઘારી, ખીમજી રામાણી, છગન રામાણી, મહિલા અગ્રણી રેખાબેન રામાણી, દમયંતીબેન રામાણી, આગેવાનો દ્વારા અધિકારીઓનું સન્માન કરાયું હતું. આઇ.ઇ.ડી.સી. અધિકારી, પાણી પુરવઠા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઉપસરપંચ હરેશભાઇ પટેલે અને આભારવિધિ તલાટી ભૂમિબેને કરી હતી.

Panchang

dd