ભુજ, તા. 20 : માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે શેખાઇબાગ વિસ્તારમાં
રહેતા રીંકલબેન વસંતભાઇ વ્યાસ (ઉ.વ. 24)એ આજે સવારે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ફાંસો
ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે કોઠારાના વાડીવિસ્તારમાં 46 વર્ષીય આધેડ સરદારસિંહ હઠીસિંહ જાડેજાએ ઝેરી દવા પી જતાં તેનું મોત નીપજ્યું હતું.
પિતાની છત્રછાયા વર્ષો પહેલાં ગુમાવી ચૂકેલી ગુંદિયાળીની રિંકલબેને ક્યા કારણસર આ પગલું
ભર્યું તેની તપાસ માંડવી મરીન પોલીસે આદરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો
છે. કુટુંબ શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવની જાણ થતાં કીર્તિભાઇ ગોર, નરેનભાઇ સોની, એ. સી. ગોર, વિશાલ બોડા, રાજેશ
બોડા, નીતિન વ્યાસ, જયશ્રીબેન મહેશ્વરી,
અનિલ મોતા વિગેરે માંડવી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દરમ્યાન, અબડાસાના સણોસરામાં રહેતા સરદારસિંહ જાડેજાએ ગત તા. 18/8ના સાંજે કોઠારા વાડીવિસ્તારમાં દવા પી જતાં તેને સારવાર અર્થે નલિયાના સામૂહિક
આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઇ અવાતાં અડધી રાતે તેમણે સારવાર દરમ્યાન દમ તોડયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં
નોંધાવાઇ હતી અને કોઠારા પોલીસને જાણ કરાઇ છે.