• શનિવાર, 27 જુલાઈ, 2024

આ ખાવડા માર્ગ પર નહીં ; જનતાના ભરોસામાં ગાબડું છે

સફેદ રણ, કાળોડુંગર, રોડ ટુ હેવન અને ધોળાવીરા... દેશ-દુનિયાના પ્રવાસીઓમાં આ જગાનું આકર્ષણ વધ્યા પછી ભુજ-ખાવડા માર્ગ ધમધમતો બની ગયો છે. વળી રણસીમાએ તૈનાત સીમા સુરક્ષા દળના કાફલાની આવન-જાવન ઉપરાંત રણમાં સેંકડો એકરમાં આકાર લઇ રહેલા હાઇબ્રિડ એનર્જી પાર્કને લીધે આ માર્ગનું મહત્ત્વ વર્તી શકાય તેમ હોવા છતાં માત્ર એકાદ વર્ષ પહેલાં બનેલા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સારા વરસાદમાં ઠેકઠેકાણે માર્ગ ઉબડખાબડ બની ગયો હતો. એવામાં વેકરિયા નજીક બનેલા પુલમાં મોટું ગાબડું પડી ગયાની ઘટનાએ  તંત્રનાં કામોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા?થયા છે. લોકોને એ વાત અકળાવી રહી છે કે, રાષ્ટ્રની સીમાને જોડતા આ માર્ગ સાથે સુરક્ષાનો મુદ્દો સંકળાયેલો હોવા છતાં એની પરવાહ નથી ? નજરે જોનારાઓના આક્ષેપ મુજબ પુલના નિર્માણમાં વપરાયેલી સામગ્રીમાં ધારાધોરણનું પાલન નથી થયું કે નથી ગુણવત્તાના નિયમનનું ધ્યાન રખાયું. ખેદની વાત એ છે કે માર્ગ બનતો હતો ત્યારે પણ સ્થાનિક અગ્રણીઓએ નબળી ગુણવત્તાનાં કામની ફરિયાદ કરી હતી, આમ છતાં એ ધ્યાને લેવામાં આવી નહોતી. એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર સામે જેહાદની વાત કરે છે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દેશના માર્ગોને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે. વિકાસના આ અધ્યાયમાં કથિત ભ્રષ્ટાચાર કે ખાયકીની કાળી ટીલી સરકાર માટે પણ બદનામીનું કારણ બની શકે છે. આમ તો રોડ-રસ્તાનાં નબળાં કામો સર્વવ્યાપક સમસ્યા છે. ડામર પથરાય ને થોડા મહિનામાં જૈસે થે સ્થિતિ... ભુજ-ખાવડા માર્ગ મહત્ત્વાકાંક્ષી છે. કચ્છ સીમાએ  રચાયેલાં અનેક શૌર્યભર્યાં પ્રકરણોમાં આ રસ્તો નિમિત્ત બન્યો છે. એના નિર્માણમાં કેમ ક્ષતિ રહી ગઇ ! જવાબદાર કોણ ? એ બધા સવાલના જવાબ માટે સક્ષમ એજન્સી દ્વારા તપાસ યોજાય તેવી માંગ ઊઠી છે. ભ્રષ્ટ રીતરસમો સરકારી તંત્રની રગેરગમાં વ્યાપેલી છે. માર્ગ-મકાન, પુલ નિર્માણનાં કામો અપાય તેમાં ટકાવારી નક્કી હોય છે. ટેન્ડર જારી કરવાની પ્રક્રિયાથી લઇને બિલ પાસ કરાવવા સુધી ભાગબટાઇનો ધંધો ચાલે અને કોન્ટ્રેક્ટર જેમ-તેમ કામ પૂરું કરી શક્ય એટલો નફો કમાવવા કોશિશ કરે. આ માહોલમાં ગુણવત્તા ક્યાંથી જળવાય ? કચ્છમાં રસ્તા નવા બને, મેટલ પથરાય, રિસર્ફેસિંગ થાય ને થોડા મહિનાઓમાં ધોવાઇ જાય કે ઉબડખાબડ બને અને એનું કારણ હોય ગેરરીતિ. આ શિરસ્તો અટકવાનું નામ નથી લેતો, પરંતુ લોકોમાં હવે જાગૃતિ આવી છે અને ખોટાં કે જેમ-તેમ થતાં કામ અટકાવી દેવાની હિંમત બતાવતા થયા છે એ ઘણી સારી બાબત છે. લોકોનો એ સવાલ છે કે, આમ આદમી આ કામ ગુણવત્તાવિહોણું થતું હોવાનું જોઇ શકે છે તો કોન્ટ્રેક્ટરને અથવા તો સરકારી સુપરવાઇઝરને કેમ દેખાતું નથી ? અગાઉ શંકાના દાયરામાં આવી ચૂકેલા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ શા માટે નથી કરાતા ? પ્રજાના પ્રતિનિધિઓની એ જવાબદારી છે. તેમની નજર સામે ખાડા - નબળાં કામ, અધૂરાં કામો હોવા છતાં સામે ચાલીને  પ્રજાના  જાગૃત સેવકની ભૂમિકા કેમ ભજવતા નથી ? ભુજ-ખાવડા માર્ગનો મામલો ગંભીર છે. તેના યોગ્ય સ્તરે પ્રત્યાઘાત પડવા જોઇએ. આ મુદ્દે મુખ્યમંત્રી અને પીએમઓનું ધ્યાન દોરાવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang