• શુક્રવાર, 06 માર્ચ, 2026

શોક સાથે ભારતની ખોમેનીને અંજલિ

નવી દિલ્હી, તા. 5 : ભારત સરકારે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેનીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગુરુવારે  નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસે પહોંચીને શોક સંદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા તેમજ ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાનાં નિધન ઉપર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને એકજૂટતા વ્યક્ત કરી હતી. હુમલા બાદ ઈરાનમાં શોક અને રાજકીય ઉથલપાથલ મચી છે. બીજી તરફ ભારતના વિપક્ષી દળ સરકાર ઉપર ઘણા પ્રકારના આરોપ મૂકી રહ્યા છે. અમુક લોકોનું કહેવું હતું કે ભારત તરફથી હજી સુધી કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. દેશની અંદર ચાલી રહેલી રાજકીય દલીલો વચ્ચે વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસે જઈને આ દુ:ખદ ઘટના ઉપર ઈરાન સરકાર અને ઈરાનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શોક પુસ્તકમાં સંદેશ નોંધ્યો હતો અને ભારત-ઈરાન વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને દોહરાવ્યા હતા. ઈરાનમાં અયાતુલ્લાહ ખોમેનીના નિધન બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દેશોએ ખામેનેઈનાં મૃત્યુ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે આ સંવેદનશીલ સ્થિતિમાં સંતુલિત વલણ અપનાવતા ઈરાન સાથે ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવી રાખવાનો સંદેશ આપ્યો છે. ખોમેનીનું હુમલામાં મૃત્યુ એવી ઘટના બની છે જેણે પશ્ચિમ એશિયાને યુદ્ધની ચપેટમાં લાવી દીધું છે. ખામેનીનાં મૃત્યુના અહેવાલ સૌથી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર 28 ફેબ્રુઆરીના રોજ આપ્યા હતા. આ બનાવને ઈરાનની જનતા માટે દેશ ઉપર નિયંત્રણ મેળવવાની સૌથી મોટી તક ગણાવી હતી અને કહ્યું હતું કે ઈતિહાસના સૌથી ક્રૂર લોકોમાંથી એક ખોમેનીનું મૃત્યુ થયું છે. આ ઈરાનની જનતા માટે ન્યાય હોવાની સાથે એવા તમામ મહાન અમેરિકીઓ અને દુનિયાભરના લોકો માટે પણ ન્યાય છે, જેઓને ખોમેનીએ માર્યા છે અને પ્રતાડિત કર્યા છે.  

Panchang

dd