• બુધવાર, 04 માર્ચ, 2026

સીબીઆઈ અને ઈડીની શાખ સુધારવી જરૂરી

ભારતની ટોચની તપાસનીશ એજન્સીઓ તેમની તપાસ અને ગુનો સાબિત કરવામાં નબળી પડતી હોવાની છાપ દિવસોદિવસ મજબૂત બનતી રહી છે. દિલ્હીના હાઈપ્રોફાઈલ શરાબ ગોટાળાકાંડમાં જે રીતે માજી મુખ્યમંત્રી કેજરીવાલ અને તેમના સાથીદારોને જે રીતે ક્લીનચીટ આપીને અદાલતે સીબીઆઈની જે રીતે ઝાટકણી કાઢી તેનાથી આ છાપને જાણે અદાલતી મહોર લાગી ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. આ આખાં પ્રકરણે સીબીઆઈની સાથોસાથ કેન્દ્ર સરકારને ભારે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે.   દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટના ન્યાયધીશે જે રીતે આ કેસમાં તપાસથી માંડીને ચાર્જશીટ સુધી તમામ બાબતોમાં સીબીઆઈનો જે રીતે ઉધડો લીધો તે ભારે ચિંતાજનક છે. આ કેસમાં સીબીઆઈની સામેના અદાલતનાં વલણ બાદ હવે ઈડીના કેસમાં પણ અદાલત એવો મિજાજ બતાવશે એવી અટકળો તેજ બની છે, પણ દેશની આ બન્ને ટોચની  એજન્સીઓની સામેના રાજકીય આરોપો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.   સીબીઆઈએ શરાબ ગોટાળાકાંડમાં નીચલી કોર્ટના આ ચુકાદા સામે દિલ્હીની વડી અદાલતમાં અપીલ કરી છે, પણ મુખ્ય સવાલ એ છે કે, સીબીઆઈ અને ઈડી બન્ને તેમના મોટાભાગના કેસોમાં ગુનો સાબિત કરવામાં સફળતા હાંસલ કરી શકતી નથી. આરંભમાં હાઈપ્રોફાઈલ કેસોમાં મોટા વેપારીઓથી માંડીને રાજકારણીઓની સામે ગુનો નોંધીને ધરપકડ સહિતનાં પગલાંથી ભારે ચકચાર જગાવતી આ એજન્સીઓ આગળ જતાં નબળી પડી જાય છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદા તળે સીબીઆઈ અને મની લોન્ડરિંગ વિરોધી કાયદા તળે ઈડી પાસે અમાપ સત્તા છે. મોટભાગના કેસમાં પૂરતા પુરાવા એકઠા થતા નથી હોતા, જેને લીધે ગુનો સાબિત થઈ શકતો નથી.  માત્ર સાંયોગિક પુરાવાના આધારે કરાતી કાર્યવાહીમાં સંબંધિત આરોપીને જે માનહાનિ થાય છે તેની અદાલતી કાર્યવાહીના અંતે કોઈ ભરપાઈ થઈ શકતી નથી હોતી. વેપારીઓ તો તેમની સામેની આ અજેન્સીઓની કાર્યવાહીને લીધે આર્થિક રીતે પણ ભારે નુકસાની વેઠે છે. રાજકીય નેતાઓની પ્રતિષ્ઠા પણ ઝંખવાય છે. જો કે, કેજરીવાલની જેમ અદાલતમાંથી નિર્દોષ જાહેર થાય એટલે આવા નેતાઓ તેમની સામે રાજકીય બદલાની કાર્યવાહી થઈ હોવાના આરોપો સરકારની સામે મૂકવા લાગે છે.  તેમને આવા સંજોગોમાં રાજકીય લાભ મળવાનો માર્ગ મોકળો બની જાય છે. આ અગાઉ સર્વોચ્ચ અદાલતે સીબીઆઈને પિંજરામાં બંધ પોપટ ગણાવી હતી.  આમ અદાલતી વલણે ફરી એક વખત સીબીઆઈ અને ઈડીની કામગીરીને વધુ અસરકારક બનાવવા અને તેને રાજકીય પ્ર્રભાવના આરોપોથી અળગી રાખવા માટે સરકારે હવે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. દેશની આવી ટોચની એજન્સીઓ તેમની કામગીરીમાં વધુ કાબેલ બનીને ગુનાને સાબિત કરવામાં સફળ રહે એ હવે અનિવાર્ય બની ગયું છે. 

Panchang

dd