• શુક્રવાર, 06 માર્ચ, 2026

હમીરપર સામૂહિક હત્યામાં ત્રણ ભાગેડુ આરોપીના જામીન નકારાયા

ભુજ, તા. 5 : રાપર તાલુકાના મોટી હમીરપર ગામના મે-2020ના એકસાથે પાંચ વ્યક્તિની સામૂહિક હત્યાના મામલામાં ત્રણ ભાગેડુ આરોપી દિનેશ કરશન કોળી, વનરાજ કરશન કોળી અને ભરત મમુ કોળીની નિયમિત જામીન માટેની અરજી ભચાઉ સ્થિત સેશન્સ અદાલતે નામંજૂર કરી હતી. ગુનાની ગંભીરતા, કેસને અંજામ આપવામાં આરોપીઓની ભૂમિકા, આરોપીઓનું લાંબા સમયથી ફરાર રહેવું અને અગાઉની જામીન અરજી બાબતે થયેલા હુકમો વગેરેને કેન્દ્રમાં રાખીને ભચાઉની અધિક જિલ્લા અદાલતે આ ત્રણેય આરોપી દ્વારા કરાયેલી નિયમિત જામીન અરજી વિગતવારનાં કારણો સાથે નામંજૂર કરી હતી. આ પ્રકરણમાં જીવલેણ હથિયારો વડે ફિલ્મી ઢબે હુમલો કરીને અખા જેશંગ, અમરા જેશંગ, લાલજી અખા, પેથા ભવાન અને વેલા પાંચા નામના રજપૂત જ્ઞાતિના પાંચ જણની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આડેસર પોલીસ મથકમાં રમેશ ભવાન રાઠોડ દ્વારા 22 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કચ્છનો બીજા નંબરનો આ મોટો ખુનકેસ છે અને તેની સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ભચાઉ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. દરમ્યાન જેમની નિયમિત જામીન અરજી નામંજૂર કરાઈ છે તે ત્રણ આરોપી દિનેશ કરશન, વનરાજ કરશન અને ભરત મમુ વચગાળાના જામીન ઉપર છુટયા બાદ ફરાર થઈ ગયા હતા. તેમને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. આ પછી ચારેક મહિને તેઓ પૂર્વ કચ્છ પોલીસના હાથે પકડાયા હતા. આ દરમ્યાન તેમણે ત્રણેયએ જામીન ઉપર મુકત થવા માટે કરેલી અરજી અધિક જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણીમાં સરકાર વતી આ કેસ માટે નિયુકત ખાસ સરકારી વકીલ ભુજના ભરતભાઈ એમ. ધોળકિયા તથા ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, આર.એસ. પંડયા અને એચ.કે. ગઢવી રહ્યા હતા. 

Panchang

dd