• શુક્રવાર, 06 માર્ચ, 2026

ફિન એલનની આંધીમાં અનેક વિક્રમ ધ્વંશ

કોલકતા, તા.5 : કિવિઝ ઓપનર ફિન એલને ગઇકાલે સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલ મેચમાં ફકત 33 દડામાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાથી વિસ્ફોટક અણનમ સદી ફટકારી કીર્તિમાનની હારમાળ રચી હતી. ફિન એલન ટી-20 વિશ્વ કપમાં સૌથી ઝડપી સદી કરનારો બેટર બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે હતો. તેણે 2016ના ટી-20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 47 દડામાં સદી પૂરી કરી હતી. આ સૂચિમાં ત્રીજા સ્થાને પણ ગેલ જ છે. તેણે 2007ના વર્લ્ડ કપમાં આફ્રિકા સામે પ0 દડામાં સદી સમાપ્ત કરી હતી. વર્તમાન ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે શ્રીલંકા સામે પ0 દડામાં સદી કરીને તેની ટીમને જીત અપાવી હતી. તે આ સૂચિમાં ચાર નંબર પર છે. 2012-ટી-20 વર્લ્ડ કપમાં કિવિઝના બ્રેંડન મક્કયૂલમે બાંગલાદેશ વિરુદ્ધ પ1 દડામાં સદી કરી હતી. આ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સદી કરનારો ફિન એલન પહેલો બેટર બન્યો છે. ન્યુઝીલેન્ડ તરફથી પણ ફિન એલન ઝડપી સદી કરનારો બેટર બન્યો છે. આ પહેલા ગ્લેન ફિલિપ્સે 2020માં વેસ્ટ ઈન્ડિઝ સામે 46 દડામાં સદી કરી હતી. ટી-20 ફોર્મેટમાં પૂર્ણ સદસ્ય દેશના ખેલાડીના રૂપમાં 33 દડામાં ફિન એલનની સદી સૌથી ઝડપી છે. આ પહેલા ડેવિડ મિલર અને રોહિત શર્મા 3પ-3પ દડામાં સદી કરી ચૂકયા છે. એકંદરે આ વિક્રમ એસ્ટોનિયા દેશના સાહિલ ચૌહાણના નામે છે. તેણે સાઇપ્રસ સામે 27 દડામાં સદી કરી હતી.  

Panchang

dd