મુંદરા, તા. 5 : પર્યાવરણીય સંરક્ષણના સંકલ્પ
સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના મોટા કાંડાગરામાં ઐતિહાસિક વનીકરણ પ્રોજેક્ટનો
આરંભ કરવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશન અને
મુંદરા પેટ્રોકેમના સંયુક્ત ઉપક્રમે જાપાનીઝ `િમયાવાકી પદ્ધતિ' દ્વારા અહીં 6,000 થી વધુ વૃક્ષો
વાવીને વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર `ઓક્સિજન પાર્ક' જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ
માટે આશ્રયસ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ પણ વિકસિત થશે. 47થી વધુ પ્રકારનાં ફૂલ-છોડ, વેલાઓ, ફળાઉ વૃક્ષો અને
આયુર્વેદિક જડીબુટ્ટીઓનું વાવેતર કરી તેને `નંદનવન' બનાવવામાં
આવશે. જેમાં પીપળો, વડ, લીમડો જેવા છાયાદાર
વૃક્ષો; આંબા, ચીકુ જેવા ફળદ્રુપ વૃક્ષો
અને તુલસી, અરડૂસી જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે. વૃક્ષોના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે
મિયાવાકી પદ્ધતિની સાથે ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મિયાવાકી પદ્ધતિમાં સામાન્ય કરતા 10 ગણી ઝડપથી વૃક્ષોનો વિકાસ થાય છે અને જંગલ 30 ગણું વધુ ઘટાદાર બને છે. ગ્રામજનોના
સહયોગથી તૈયાર થતું આ `વૃક્ષ મંદિર' પર્યાવરણ અને જૈવ વિવિધતાનાં જતન માટે સીમાચિહ્નરૂપ
સાબિત થશે. આ અભિયાનમાં મોટા કાંડાગરા ગામના સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ
ભાગ લીધો હતો. નોંધનીય છે કે, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રુપ
દ્વારા પર્યાવરણીય સુરક્ષા અને સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ) માટે અનેક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ
ચલાવવામાં આવે છે.