નખત્રાણા, તા. 5 : નખત્રાણા, લખપત, અબડાસા ત્રણ તાલુકાનાં
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ સહિતના ડ્રાઈવરોને છૂટા કરાયા હતા. તેમને પરત
લેવા માંગ કરાઈ છે. જિલ્લામાં આવા 54 ચાલક છૂટા કરાયા છે. વર્ષ-2021માં જિલ્લામાં 54 કાર્યરત પ્રા. આરોગ્ય કેન્દ્રમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ
રસીકરણ ફેમિલી પ્લાનિંગ સુવિધાઓ જાળવવા, બીમારી સમયે દર્દીઓને આવશ્યક સારવાર પૂરી પાડવા સહિતની આરોગ્ય સેવાઓ માટે જિલ્લા
આયોજન, ધારાસભ્યની ગ્રાન્ટ, દાતાઓનાં દાન
તથા મિનરલ ફાઉન્ડેશન દ્વારા મળેલા ફંડમાંથી 54 જેટલી ખરીદાયેલી એમ્બ્યુલન્સ તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા
108 એમ્બ્યુલન્સ સંચાલિત કરતી જીવીકે
પ્રા.લિ. કંપનીને સુપરત કરાતા આ વાહન ચલાવતા ડ્રાઈવરોને નોકરીમાંથી છૂટા કરાયા હતા.
અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, લખપત, અબડાસાના વિવિધ ગામોના સરકારી દવાખાનાના 21 ડ્રાઈવરને નોકરીમાંથી છૂટા
કરાતા બેરોજગાર બનેલા ડ્રાઈવરોના પરિવારોની રોજીરોટીને છીનવાતા ભારે હાલાકી ભોગવવી
પડી રહી છે. અસરગ્રસ્ત ડ્રાઈવરોએ સંગઠનના માધ્યમથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને
લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારનાં ગામડાંઓમાં આરોગ્ય સેવા
માટે એક પણ એમ્બ્યુલનસ વાહન ન હોતાં 108ની સંચાલક કંપનીને સુપરત કરાયેલાં વાહનો કેન્દ્રોને પરત કરતાં, ડ્રાઈવરોને ફરીથી નોકરીએ લેવા, પોલિયો ટીપાં, બાળરસીકરણ, મેલેરિયા
કેમ્પ, ટીબી કેમ્પ સહિતની એમ્બ્યુલન્સના અભાવે કથળેલી સેવાઓ કાર્યરત
કરવા માંગ કરાઈ હતી. આ અંગે છૂટા કરાયેલા ડ્રાઈવરોના સંગઠનના તત્કાલિન પ્રમુખ દેવેન
જોશીના જણાવ્યા મુજબ છૂટા કરાયેલા ડ્રાઈવરોના પરિવારની રોજીરોટી પર થયેલી ગંભીર અસર
સંદર્ભે તત્કાલિન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા કમિશનર હર્ષદ પટેલ સમક્ષ સંગઠન
દ્વારા કરાયેલી રજૂઆત બાદ છૂટા કરાયેલા ડ્રાઈવરોને 108ની સેવામાં લેવા ખાતરી અપાઈ
હોવા છતાં હજુ સુધી એક પણ ડ્રાઈવરને નોકરીમાં લેવાયા નથી.