• શુક્રવાર, 06 માર્ચ, 2026

ક્રૂડના પડકાર સામે ભારત આત્મનિર્ભરતા કેળવે

સતત વિકાસ સાધી રહેલા અને દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતની સામે ફરી એક વખત ઈંધણની કટોકટીનું જોખમ ઊભું થયું છે. અમેરિકા અને ઈઝરાયલના આક્રમણની સામે વળતા હુમલા કરી રહેલા ઈરાને આસપાસના તેલ સમૃદ્ધ આરબ દેશોને જે રીતે નુકસાન પહોંચાડવું શરૂ કર્યું છે તેનાથી દુનિયામાં અને તેમાં પણ ભારતમાં ક્રૂડતેલના પુરવઠા પર અસર પડી રહી છે. ભારત સરકારે આ પડકારને પહોંચી વળવા કમર કસી લીધી છે અને મળતા અહેવાલ મુજબ રશિયા પાસેથી વધુ ક્રૂડ ખરીદીને અખાતના દેશોની ખાધને સરભર કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આવામાં ઈંધણના પુરવઠાને જાળવવા કાયમી વિકલ્પ હાથવગા રાખવાની સાથોસાથ ક્રૂડના મામલે આત્મનિર્ભરતા વધારવાનાં પગલાંની તાકીદની અનિવાર્યતા છતી થઈ છે. આમ તો સરકારના ટોચનાં વર્તુળોએ દાવો કર્યો છે કે, ભારત પાસે 2પ દિવસના ક્રૂડતેલ અને ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. જો કે, સ્થિતિની ગંભીરતાને અનુરૂપ પેટ્રોલિયમ મંત્રાલયે 24 કલાક નજર રાખવાનું શરૂ કર્યું છે. જો કે, નિષ્ણાતો માને છે કે, ભારત જેવા વિશાળ દેશમાં 2પ દિવસનો ઈંધણ કે ક્રૂડનો જથ્થો મધ્યમ ગણી શકાય. ખેરખર તો ક્રૂડના જથ્થાના પુરવઠાની ચેઈન, ભાવો અને રાજદ્વારી અસરો પણ આ ચક્રનો ભાગ બની રહે છે. તેવામાં પુરવઠો ઓછો થાય કે ભાવો વધે તેની અસર છેક છેવાડાના નાગરિકોના આર્થિક ગણિત પર પડી જતી હોય છે. ભારત વિશ્વમાં ક્રૂડતેલની આયાતમાં ત્રીજા ક્રમે છે. આમાંથી દેશની પ0 ટકા આયાત અખાતના દેશોમાંથી થાય છે. જાન્યુઆરી મહિનાના આંકડા મુજબ ભારતે રોજનું 27.4 લાખ બેરલ તેલ આ દેશોમાંથી આયાત કર્યું હતું. હાલત એવી છે કે, આ અશાંત પરિસ્થિતિમાં પુરવઠા ઉપરાંત હોર્મુઝની ખાડીમાં હુમલાના ભય તળે દરિયાઈ પરિવહન પર અસર પડી છે. આવનારા દિવસોમાં પુરવઠો અને પરિવહન ફરી પાટે ચડે એવી આશા રખાઈ રહી છે.   આમ છતાં આવા સંજોગોમાં તેલના ભાવો તો વધી જશે એ વાત નક્કી મનાઈ રહી છે, તેલના ભાવો વધે તો તેની અસર સરકારનાં બજેટથી માંડીને સામાન્ય માનવીના ખીસ્સા સુધી પડશે.  ભારતે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન ક્રૂડતેલની આયાત પાછળ 137 અબજ ડોલર ખર્ચ્યા હતા. ઈરાકની ઉપર અમેરિકાનું આક્રમણ હોય કે કુવૈત પર ઈરાકનો કબજો હોઈ દરેક વખતે દુનિયામાં ક્રૂડતેલની અછત અને ભાવોમાં વધારાનો પડકાર ઊભો થતો રહ્યો છે. આમાં ભારતને સૌથીવધુ વેઠવું પડતું રહ્યંy છે. હવે સમય આવી ગયો છે કે, ભારતે ઊર્જાના મામલે આત્મનિર્ભર થવાના પ્રયાસોને વધારવા પર ધ્યાન આપવાની જરૂરત છે. ભારતે વૈકલ્પિક ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રિક વાહનો જેવા પ્રોજેક્ટનાં ચલણનો વ્યાપ વધારીને પેટ્રોલિયમના પડકારનો માર્ગ શોધી શકાય. તેની સાથોસાથ ક્રૂડ કે પેટ્રોલિયમ પેદાશોના વ્યૂહાત્મક ભંડારનો વિસ્તાર કરીને આવી કટોકટીની સામે સજ્જતા વધારવાનાં પગલાં પર પણ સરકારે હવે ગંભીરતા સાથે ધ્યાન આપવાની જરૂરત છે. 

Panchang

dd