• મંગળવાર, 23 જુલાઈ, 2024

પરીક્ષા વ્યવસ્થા અંગે વડાપ્રધાનની હૈયાધારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળના આરંભે જે પડકારો છે, તેમાં ઉચ્ચ શિક્ષણ માટે  સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓમાં સામે આવી રહેલા ગોટાળાનો મુદ્દો અગ્રસ્થાને છે. એક તરફ ખુદ વડાપ્રધાન મોદીએ આવી પરીક્ષા આપતા યુવાનોમાં જાગેલા રોષ અને અવિશ્વાસની લાગણીને દૂર કરવાનાં પગલાં લેવા પર ધ્યાન આપ્યું છે. તેમણે સંસદમાં તેમનાં સંબોધનમાં ખાતરી આપી કે, યુવાનોનાં ભવિષ્યની સાથે ચેડાં કરનારાની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. વડાપ્રધાને આપેલી હૈયાધારણ બાદ મામલો થોડો શાંત પડયો છે. ઉલ્લેખનીય છે કે, આવી પરીક્ષાઓનાં પ્રશ્નપત્રો ફૂટવાની ઘટના વધી રહી છે, તો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ દ્વારા લેવાયેલી મેડિકલ અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષા નીટનાં પરિણામમાં જે ગોટાળા થયા, તેનાથી દેશની આખી વ્યવસ્થા સામે અવિશ્વાસની લાગણી મજબૂત બની હતી. વડાપ્રધાને એવી પણ ખાતરી આપી છે કે, પરીક્ષા વ્યવસ્થાને વધુ ભરોસાપાત્ર અને મજબૂત કરવાનાં પગલાં લેવાઇ રહ્યાં છે. આમ તો આરંભમાં આખાં પ્રકરણને દબાવવાના પ્રયાસ થયા હતા. એનટીએનો સતત બચાવ એવો હતો કે, કોઇ ગોટાળો થયો નથી. માત્ર જે પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્ર પહોંચાડવામાં અંતરાય આવ્યો ત્યાં કૃપાગુણ અપાયા હતા. જો કે, એનટીએ દ્વારા કૃપાગુણ આપવામાં કાચું કપાયું હોવાની સામે આવી રહ્યંy છે. કૃપાગુણને લીધે સંખ્યાબંધ પરીક્ષાર્થીઓના કુલ માર્કનો સરવાળો સૌથી વધુ થઇ ગયો હતો. હવે કાર્યવાહી સામે તપાસ સમિતિ રચવામાં આવી છે. હવે જ્યારે વાત વધી પડી ત્યારે ગંભીરતા સાથે તપાસ હાથ ધરાઇ છે. શંકા ઘેરી બનતાં ગુજરાત અને બિહારની અમુક પેપર ફોડતી ટોળકીઓની ઉપર તવાઇ આવી છે. નીટનાં પરિણામો અને પેપર લીક થવાના કિસ્સાએ આખો સાપનો રાફડો ખોલી નાખ્યો હોય તેમ ચોંકાવનારાં તથ્યો સામે આવી રહ્યાં છે. દિવસો દિવસ આખી વાત ગંભીર અને ચિંતાજનક સ્વરૂપ લઇ રહી છે. મામલે હવે સર્વોચ્ચ અદાલતે સુનાવણી હાથ ધર્યાની સાથે તપાસનીશ એજન્સીઓએ અમુક આરોપીઓને ઝડપી લીધા છે અને અન્યોની ઝીણવટભરી પૂછપરછ થઇ રહી છે, પણ બધી કાર્યવાહી અદાલતે સુનાવણી હાથ ધરી તે પહેલાં થવી જોઇતી હતી એવી લાગણી પણ વ્યક્ત થઇ રહી છે. નીટની પરીક્ષા રદ કરવામાં સરકારનો ખચકાટ પણ ઊડીને આંખે વળગી રહ્યો છે. ભૂતકાળમાં પેપર લીક જેવા મામલાને પગલે ઘણી પરીક્ષાઓ રદ થઇ ચૂકી હોવાથી વખતે પણ તેમ કરવાની જરૂરત વ્યક્ત થઇ હતી. એક તરફ પરિણામમાં કૃપાગુણનો મામલો શંકા જગાવી રહ્યો છે, તો બીજી તરફ પેપર ફોડવાવાળાઓનાં નિવેદનો આખા મામલાને વધુ ઘેરો બનાવી રહ્યા છે. નીટની પરીક્ષા પારદર્શક હોવાની શંકા વધુને વધુ મજબૂત બની રહી છે. આવી પરીક્ષાઓ પર કોપી કરાવવામાં માહેર માફિયાઓનો ઓછાયો વધુને વધુ ઘેરો બની રહ્યો છે. નીટમાં જે રીતે અમુક નક્કી કરાયેલા પરીક્ષાર્થીઓને અગાઉથી ગોઠવણી કરાયેલાં પરીક્ષા કેન્દ્રોમાં બેસાડીને સાચા જવાબો ભરાવાયા એવી વિગતો સામે આવી રહી છે. આવા આરોપો એનટીએ જેવી સંસ્થા દ્વારા પ્રશ્નપત્રોની સલામતી માટે ઢીલાશ રખાઇ હોવાની સાથોસાથ બાકીના પરીક્ષાર્થીઓની સાથે છેતરપિંડી કરાઇ હોવાની ચોંકાવનારી હકીકતો છતી કરે છે. હવે જ્યારે વડાપ્રધાને પરીક્ષા વ્યવસ્થાને વધુ વિશ્વાસપાત્ર બનાવવાની હૈયાધારણ આપી છે, ત્યારે એનટીએના વહીવટને વધુ પારદર્શક અને ગોટાળા રહિત કરવાનું અનિવાર્ય બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang