જલંધર, તા. 1 : જલંધર ખાતે રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
2026માં ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનો અજેય રથ
આગળ ધપાવતાં મલેશિયા સામે 4-2થી
શાનદાર વિજય નોંધાવ્યો છે. એશિયન ગેમ્સ 2026ની ફાઇનલની આ રોમાંચક રિ-મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહની હેટ્રિક અને સુખજીત
સિંહના અદ્ભુત ફીલ્ડ ગોલના દમ પર ભારતે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત હાંસલ કરી હતી.
મુકાબલાની ત્રીજી જ મિનિટે હરમનપ્રીતે ગોલ ફટકારીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી.
જોકે, બીજા
ક્વાર્ટરમાં મલેશિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને અખિમુલ્લાહ અનવરે ગોલ કરીને સ્કોર
1-1થી બરાબરી પર લાવી દીધો હતો. મેચનો ટર્નિંગ
પોઈન્ટ ત્રીજા ક્વાર્ટરમાં આવ્યો, જ્યારે મલેશિયાના ફૈઝ જાલીને 10 મિનિટ માટે યલો કાર્ડ મળતાં ભારતને વધારાના
ખેલાડીનો ફાયદો મળ્યો. આ દરમિયાન હરમનપ્રીતે સરસાઈ પુન: સ્થાપિત કરી હતી અને સુખજીતે
ગોલ કરીને ભારતની પકડ મજબૂત બનાવી હતી. અંતિમ ક્વાર્ટરમાં હરમનપ્રીતે પેનલ્ટી સ્ટ્રોકને
ગોલમાં ફેરવી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. મલેશિયા તરફથી શેલો સિલ્વેરિયસે અંતિમ ક્ષણોમાં
ગોલ કર્યો હતો, પરંતુ તે જીત માટે પૂરતો નહોતો. મેચના અંતે ભારતીય ફોરવર્ડ અભિષેકનો પગ મચકોડાઈ
જતાં તેની ફિટનેસ ચિંતાનો વિષય બની છે. ચાર મેચમાં ચાર જીત સાથે ટોચ પર રહેલી ભારતીય
ટીમ સોમવારે, સોમવારે પોતાની અંતિમ લીગ મેચમાં દક્ષિણ કોરિયા
સામે ટકરાશે.