• સોમવાર, 02 નવેમ્બર, 2026

બેવડી સફળતા : હાયલો ઓપનમાં સિંધુ-લક્ષ્ય ચેમ્પિયન

નવી દિલ્હી, તા. 1 : ભારતે હાયલો ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધામાં બેવડી સફળતા મેળવી ઇતિહાસ રચ્યો છે. ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ શાનદાર ફોર્મ જાળવી રાખીને જર્મનીમાં રમાયેલી હાયલો ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જ્યારે પુરુષ સિંગલ્સમાં યુવા શટલર લક્ષ્ય સેને જોનાથન ક્રિસ્ટીને હરાવી ચેમ્પિયનનો ખિતાબ કબજે કર્યો હતો. રવિવારે રમાયેલી મહિલા સિંગલ્સની રોમાંચક ફાઇનલમાં સિંધુએ ડેન્માર્કની લાઇન કજેર્સફેલ્ડ સામે મેચમાં 21-12, 21-14થી સીધા સેટોમાં વિજય મેળવીને ચાલુ સીઝનનો પોતાનો બીજો બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ખિતાબ કબજે કર્યો હતો.  ગત સપ્તાહે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વિશ્વની નંબર-1 ખેલાડી એન સે યંગ સામે પરાજય બાદ રનર-અપ રહેલી સિંધુએ આ સપ્તાહે કોઈ ભૂલ ન કરતાં ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આ પૂર્વે સિંધુએ જુલાઈ મહિનામાં જાપાન ઓપન જીતી હતી. જેથી હાયલો ઓપનની ટ્રોફી તેના આ વર્ષના વિજયી અભિયાનમાં વધુ એક મોટો ઉમેરો છે.  સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સિંધુએ એક પણ ગેમ ગુમાવ્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.  સિંધુએ પ્રારંભિક રાઉન્ડમાં ભારતની પ્રકૃતિ ભારત અને ત્યારબાદ ફ્રાન્સની રોઝી ઓક્ટાવિયાને સીધી ગેમ્સમાં હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાનિક જર્મન ખેલાડી અમાલી શુલ્ઝને પછાડયા બાદ સેમિફાઇનલમાં ભારતની જ ઉભરતી ખેલાડી અનમોલ ખર્બને 21-13, 21-16થી હરાવીને ટાઇટલ ક્લેશમાં જગ્યા બનાવી હતી. આજની જીત સાથે સિંધુનો ક્જેર્સફેલ્ડ સામેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ હવે 7-1 થઈ ગયો છે. અગાઉ આ વર્ષે ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં પણ સિંધુએ તેને હારનો સ્વાદ ચખાડયો હતો. ફ્રેન્ચ ઓપનની નિરાશા પાછળ છોડીને યુરોપિયન ટૂરનો આ રીતે વિજયી અંત લાવવો સિંધુના આત્મવિશ્વાસ માટે આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો પૂર્વે મોટો બૂસ્ટ સાબિત થશે. સિંધુની સફળતા બાદ લક્ષ્ય સેને પણ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આક્રમક અંદાજ જાળવી રાખીને જોનાથન ક્રિસ્ટીને સીધા સેટમાં 21-17, 21-10થી હાર આપી હતી. લક્ષ્ય માટે આ વર્ષનો આ પહેલો ખિતાબ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd