ભુજ, તા. 1 : કચ્છમાં સતત ત્રીજા રવિવારે જિલ્લા વહીવટી તંત્રે
ચાર તાલુકામાં હાથ ધરેલી વિશેષ દબાણ હટાવ ઝુંબેશમાં 5000 ચો.મી. જમીનને દબાણમુકત કરાવી 80.55 લાખની કિંમતી જમીનને અતિક્રમણકર્તાઓના કબજામાંથી
છોડાવી મુક્ત કરાવી હતી. ભુજ, નખત્રાણા, વાંકુ અને મેઘપરમાં હાથ ધરાયેલી
કાર્યવાહીનાં પગલે દબાણકર્તા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રની આ ઝુંબેશ દરમિયાન
નખત્રાણામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવાયેલી જમીન, ભુજમાં
સરકારી જમીન પર ગેરકાયદે બનાવાયેલી દુકાન-ઓફિસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં
આવ્યા હતા. પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા,
માર્ગ-મકાન વિભાગે કલેક્ટરના આદેશ તળે દબાણ હટાવવાની આ ઝુંબેશ પોલીસ
બંદોબસ્ત સાથે પાર પાડી હતી. વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પાઠવાયેલી યાદી અનુસાર અબડાસાના
વાંકુ ગામની સીમમાં કોઠારાથી જખૌ માર્ગ પર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિનઅધિકૃત
દબાણ દૂર કરવાની કામગીરી જખૌ પોલીસ સ્ટેશનના કાફલાને સાથે રાખીને કરવામાં આવી. કોઠારા-જખૌ
રોડ પર ભરતાસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલું 70 ચોરસ મીટરનું ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ દૂર
કરી રૂા. 2,80,000 કિંમતની જમનને દબાણમુક્ત કરાવાઈ, તો ભુજ સીમના સર્વે નંબર 870/1 પૈકીવાળી સરકારી જમીન પર શિવરાજાસિંહ ઉર્ફે
જયવીરાસિંહ દિલુભા જાડેજાના કબજાની 90 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલી ઓફિસ તથા દુકાનનું બાંધકામ તોડી પડાયું હતું. હટાવાયેલાં દબાણની કિંમત રૂા. 13,00,000 થવા જાય છે. મામલતદાર (ભુજ શહેર)ની ટીમે બી-ડિવિઝન
પોલીસ ટીમની હાજરીમાં આ કાર્યવાહી પાર પાડી હતી.
તો લખપત તાલુકાના મેઘપર ગામે સરકારી જમીન પર કરાયેલાં ગેરકાયદેસર વાણિજ્યિક
દબાણ સામે પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી હતી. મેઘપરના સર્વે નંબર 5/ પૈકીમાં આવેલી 800 ચોરસ મીટર સરકારી જમીન જેની જંત્રી કિંમત રૂા.
4,00,000 થાય છે, તેના પરથી ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવાયું હતું. આ તરફ
નખત્રાણા મોટા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન
પરનું દબાણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સર્વે નંબર 450/પૈકી 143ની જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવેલા રહેણાક મકાન તથા વાડાનું દબાણ હટાવીને
4,047 ચોરસ મીટર જમીનનો કબજો નગરપાલિકા હસ્તક લેવામાં
આવ્યો હતો. દબાણમુક્ત કરાવવામાં આવેલી આ જમીનની
અંદાજિત કિંમત 60,75,500 થતી હોવાનું તંત્રવાહકો દ્વારા જણાવાયું હતું.
દરમિયાન નેત્રા ગ્રામ પંચાયતે બે દુકાનનાં વાણિજ્યિક દબાણને દૂર કરી બે લાખની કિંમતની
20 ચો.મી. જમીનને દબાણમુક્ત કરાવી હતી.