કેપટાઉન, તા. 31 : કેપટાઉન ખાતે રમાયેલી રોમાંચક
ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક વાપસી કરતા ઓસ્ટ્રેલિયાને 176 રને કચડી નાખ્યું હતું અને ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે.
288ના લક્ષ્ય સાથે ઓસી. 111 રનમાં ઓલઆઉટ થયું હતું. હાર્મરે
તરખાટ મચાવી 16 રનમાં છ વિકેટ ખેરવી હતી. આ
દમદાર વિજય સાથે જ સાઉથ આફ્રિકાએ આઈસીસી ટેસ્ટ રેન્કિગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું
છે. માર્ચ 2023 પછી પેટ કમિન્સના નેતૃત્વ હેઠળ
ઓસ્ટ્રેલિયાનો આ પ્રથમ ટેસ્ટ શ્રેણી પરાજય છે. મેચમાં 100 રનની પ્રારંભિક ખાધ વહોર્યા
બાદ ચોથા દિવસે રિયાન રિકલ્ટન અને વિયાન મુલ્ડરની શાનદાર સદીઓ તથા છઠ્ઠી વિકેટ માટે
થયેલી 154 રનની ભાગીદારીના જોરે આફ્રિકાએ
કાંગારૂઓ સમક્ષ 288 રનનો કઠિન
લક્ષ્યાંક મૂક્યો હતો. પાંચમા દિવસે મુકાબલો રસાકસીભર્યો બનવાની ધારણા હતી, પરંતુ કાગિસો રબાડા અને સિમોન હાર્મરે ઓસ્ટ્રેલિયાની
વિકેટો ખેરવી હતી. બીમારીમાંથી બેઠા થયેલા રબાડાએ પ્રથમ ઓવરમાં જ મેટ રેનશો અને માર્નસ
લાબુશેનને શિકાર બનાવ્યા બાદ ખતરનાક ટ્રેવિસ હેડને 14 રને પેવેલિયન ભેગો કર્યો હતો.
ત્યારબાદ ઓફ-સ્પિનર સિમોન હાર્મરે પોતાની સ્પિન જાળ બિછાવી ટેસ્ટ કરિયરમાં પ્રથમ વખત
મેચમાં 10 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી
હતી. નિયમિત સમયાંતરે વિકેટો પડતાં કાંગારૂ ટીમ માત્ર 111 રનમાં સમેટાઈ ગઈ હતી. નાથન
લાયન (33*) અને કેમરૂન ગ્રીન (27) સિવાયનો બાટિંગ ક્રમ તદ્દન
લાચાર દેખાયો હતો. પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ગેકેબરહા અને કેપટાઉનમાં સતત બે મુકાબલા
જીતીને આફ્રિકાએ શ્રેણીમાં કરેલી વાપસી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.