• સોમવાર, 02 નવેમ્બર, 2026

ભુજ-અંજાર માર્ગે મીઠું ઢોળાયા બાદ ઝાકળ વર્ષાથી અકસ્માતનો ભય

કોટડા(ચકાર)(તા.ભુજ), તા.1 : ભુજથી માધાપર ચોકડી, શેખપીર ચોકડી થઈ અંજાર તરફ જતા માર્ગ પર મીઠાંની હેરફેર કરતી ગાડીઓમાંથી મીઠું અને ખારું પાણી રસ્તા પર ઢોળાતાં માર્ગ લપસણો બની રહ્યો છે. તેમાંય વહેલી સવારે પડતી ઝાકળને કારણે રસ્તો વધુ ભીનો બનતાં ટુ-વ્હીલરચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં મીઠું ભરેલી ગાડીઓ પસાર થાય છે. ગાડીઓમાંથી ઢોળાતું મીઠું અને ખારું પાણી રસ્તા પર જમા થતાં માર્ગ લપસણો બને છે. બીજી તરફ ઝાકળ પડવાથી ભેજ વધતાં દ્વિચક્રી વાહનોના ટાયરની રસ્તા પરની પકડ ઓછી થાય છે અને બ્રેક મારતી વખતે કે વળાંક લેતી વખતે વાહન લપસી જવાની શક્યતા વધુ રહે છે. વહેલી સવારે નોકરીએ જતા કામદારો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના વાહનચાલકો માટે આ પરિસ્થિતિ જોખમી બની રહી છે. ભારે વાહનોની અવર-જવર વચ્ચે દ્વિચક્રી વાહનોના ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. સમયસર પહોંચવાની ઉતાવળમાં થતી નાની બેદરકારી પણ અકસ્માતનું કારણ બની શકે છે. આથી મીઠાની હેરફેર કરતી ગાડીઓમાંથી મીઠું કે ખારું પાણી રસ્તા પર ન ઢોળાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ માર્ગ પર ઢોળાયેલું મીઠું અને ખારું પાણી સમયસર સાફ કરાવવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે. સંબંધિત તંત્ર દ્વારા મીઠાંનું પરિવહન કરતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરાય અને આવા વાહનોના ચાલકો મીઠું રસ્તા પર ન ઢોળાય તેની તકેદારી રાખે તે દિશામાં તંત્ર દ્વારા પગલા ભરાય તેવી માંગ ઊઠી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd