ગાંધીધામ, તા. 1 : અહીંના મીઠી રોહરમાં લાકડાંની ભાગીદારીની આડમાં રૂા. 3,37,04,452ની મસમોટી ઠગાઇ અને વિશ્વાસઘાત આચરવા અંગેનો ગંભીર ગુનો પોલીસ મથકે નેંધાયો છે. મેઘપર બોરચીમાં રહેનાર મૂળ મધ્યપ્રદેશના સાકેત શ્રીસોમેશ શુક્લા નામના યુવાન વેપારીએ આ બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નેંધાવી છે. ફરિયાદી મીઠી રોહરમાં શ્રીસિદ્ધિ વિનાયક લુમ્બર્સ પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવે છે. વર્ષ 2018-19માં પરિચયમાં આવેલા અને ફરિયાદીના સંબંધી થતા ઋષભ પાઠક નામના શખ્સે બાદમાં ગાંધીધામ આવીને લાકડાંના ધંધામાં સારી ભાગીદારી અને મોટા નફાની લાલચ આપી હતી. આ શખ્સની વાત પર ભરોસો મૂકીને ફરિયાદીએ આ કંપની શરૂ કરી શરૂઆતમાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અને ઋષભ પાઠકને 33 ટકાનો શેરહોલ્ડર બનાવ્યો હતો. આ કંપની શરૂ કરાયા બાદ કામનું વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી લાકડાં ઉતારવાનું અને માપણીનું કામ સંભાળતા હતા, જ્યારે આરોપી સપ્લાયર્સ અને બેંકના તમામ નાણાકીય વ્યવહારો સંભાળતો હતો. કંપનીના બેંક ખાતામાં શરૂઆતથી જ આરોપીનો મોબાઈલ નંબર નોંધાયેલો હતો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી લઈને તમામ બાબતો પર તે જ નિયંત્રણ કરતો હતો. ફરિયાદીને સપ્ટેમ્બર 2026માં કન્ટેનર આવવાનું બંધ થઈ ગયાનું બહાનું બતાવી માલ ન આવવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં ફરિયાદીને શંકા જતાં તેમણે બજારમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ આરોપીએ સપ્લાયર્સને નાણાં ચૂકવ્યા ન હતા અને કંપનીનાં નામે અલગ-અલગ ટિમ્બર કંપનીઓ પાસેથી મોટા લાકડાંનો જથ્થો મગાવી બારોબાર વેચી દેવાયો હતો. ઋષભ પાઠકે સિદ્ધિવિનાયકનાં નામે એસ.એસ. વૂડ, આર.એસ. ટિમ્બર, વાયબ્રન્ટ એક્યુમ વગેરે કંપનીઓ પાસેથી માલ મગાવી તથા અન્ય ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવી આરોપીએ પોતાના સંબંધીઓના ખાતાઓમાં આ પૈસા નાખી દીધા હતા તેમજ ફરિયાદીની ખોટી સહીઓ કરી વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ કૌભાંડ બહાર આવ્યા બાદ તેણે નાણાં ચૂકવી આપવાના વાયદા કર્યા હતા, પણ પૈસા ન આપતાં અંતે ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.