• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિવાળીએ માધાપરમાં સ્વદેશી અભિયાનને વેગ

મહેશ સોની દ્વારા : માધાપર, તા. 1 : દિવાળીના તહેવારો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે એશિયાના સૌથી ધનિક ગામ માધાપર મધ્યે સ્વદેશીની વસ્તુની બજાર આકર્ષણનું કેન્દ્ર બની સજાવટ સાથે જોવા મળી રહી છે. સ્વદેશ એટલે માત્ર આપણા દેશમાં નહીં, આપણા ગામમાં બનતી વસ્તુનો ઉપયોગ કરવો. માધાપરમાં કુંભાર કારીગર દ્વારા તૈયાર થતા દીવા, માટીના વાસણો, પાણીના કુંડા, પૂજાપાની થાળી, પક્ષી માટેના પાણીના કુંડા, રમકડા, માટીની ચાયણી, દિવાળીના તહેવારોમાં ઘરોઘર બનતી રંગોળી માટેના કલર રાખવાના માટીના ચોંખડા, હાથ બનાવટના તોરણ, કંકુ-ચોખા રાખવાના માટીના વાસણ, બાળકોને પૈસા રાખવાના ભંભુટા, માધાપરના કારીગરો દ્વારા તૈયાર થયેલી સ્વદેશી વસ્તુ માધાપરની બજારમાં વેચાણ માટે સ્ટોલ લગાવીને એક સ્વદેશી બજાર ઊભી થઇ છે ત્યારે માધાપરના ગ્રામજનો પોતાની દિવાળીના તહેવારની ખરીદી કરી આવા નાના કારીગરને પ્રોત્સાહન આપે છે. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સ્વદેશી ચળવળ આઝાદીનો અહ્મ હિસ્સો રહેલ ત્યારે દેશમાં ઉત્પાદિત વસ્તુની પવરાણ કરવાની ઝુંબેશ જોવા મળેલ. મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અભિયાનનું મહત્ત્વ જણાવેલ. સ્વદેશી બનાવટ દેશના ગામના કારીગરોને રોજીરોટી મળે, તેના ઉત્પાદનમાં લાગણી-દેશભાવના જોવા મળે છે. માધાપરના કુંભાર કારીગરો જૂનાવાસ નવી લાઇનમાં વર્ષોથી માટીકામના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. રામકૃષ્ણ ટ્રસ્ટમાં બનતા માટીના દીવા, કપ-રકાબી, ગોબરમાંથી બનતી ભગવાનની મૂર્તિ, પૂજાપાની થાળી, આયુર્વેદની દવા, ગોબરના ઘડિયાળ, ગોબરના દીવા, ફૂલદાની, ધૂપબત્તી, ગોબરની મોબાઇલ ચીપ માધાપરના આંગણે મળે છે અને લોકો તેનો ભરપૂર ઉપયોગ પણ કરે છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા ગૃહઉદ્યોગને પ્રોત્સાહન આપવા માધાપર મધ્યે મહિલા આર્ટ ચાલુ કર્યું છે જેમાં મહિલા ગૃહઉદ્યોગમાં બનાવાતી ફરસાણ, મીઠાઇ, ભરતકામની વસ્તુ ખરીદી કરીને તેમની દિવાળી ખાસ બનાવવા અપીલ ગ્રામજનોને કરી છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા માધાપરના કારીગરોએ તૈયાર કરેલા સ્વદેશી  વસ્તુ રમકડા, ઇમિટેશન જ્વેલરી, મીઠાઇ-ફરસાણની ગુણવત્તા બહુ જ સારી હોય છે તેનો વધુમાં વધુ વપરાશ આપણે કરીએ તેવું જણાવ્યું હતું. તાલુકા પંચાયતના સદસ્ય-નારીશક્તિ મહિલા મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયાએ સહિયારા પ્રયાસનું સૂચન કરતાં ગામનો રૂપિયો ગામમાં વપરાય તે માટે દિવાળીના તહેવારોની ખરીદી મહતમ ગ્રામજનો ગામના કારીગરો પાસે ખરીદે તેમાં સૌનો સાથ જરૂરી છે. ગામના આગેવાન જયંતભાઇ માધાપરિયાએ રવિવારનું બજારનું ખાસ મહત્ત્વ જણાવી તેમાં વેચાતી સ્વદેશી વસ્તુનું ખરીદી પર લોકોને ખરીદી કરવા સૂચન કર્યું હતું. અરજણભાઇ ભુડિયાએ ગૃહઉદ્યોગમાં બનતા દીવા, મિઠાઇ, ફરસાણ, માટીના વાસણોની ગુણવત્તામાં દેશભાવના રહેલી છે તેવું જણાવી ગ્રામજનો વધુમાં વધુ ખરીદી ગામમાં જ કરે અને કારીગરોને પ્રોત્સાહન આપે તેવું જણાવ્યું હતું. માધાપર-નવાવાસ પંચયત પાસે વહેલી સવારથી જ ગામના કારીગરો પોતાની સ્વદેશી વસ્તુના સ્ટોલ બનાવી દિવાળીના તહેવારને ખાસ બનાવવા સુંદર સજાવટ સાથે બજાર ઊભી કરે છે. સવારથી જ માધાપર ગ્રામજનો ખરીદી કરતા જોવા મળે છે. સાંજે શાક માર્કેટની ગ્રાહકો સાથે આ બજારમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી એટલી ભીડ જોવા મળે છે. જૂનાવાસ નવી લાઇનમાં માટીમાંથી બનેલા રમકડાં, દીવા, માટલા, અવનવા પૂજાપાની વસ્તુ ખરીદવા દુકાન પાસે ભીડ જોવા મળે છે. વર્ષોથી કુંભાર પરિવાર આ ધંધા સાથે સંકળાયેલા છે. તેમની દુકાન પર દિવાળીના તહેવારોમાં જોવા મળતી ભીડ માધાપરના ગ્રામજનો સ્વદેશી અભિયાનને ચોક્કસ વેગ આપે છે. એટલે જ માધાપર એશિયાનું સૌથી ધનિક ગામ બની શક્યું છે. માધાપરવાસીમાં દેશભાવના અને સ્વદેશી વસ્તુ જે ગામમાં બને છે તેનો મહતમ ઉપયોગ કરતા જોવા મળે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd