પાટણ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : પાટણ ખાતે અદ્યતન
`જનતા કેન્સર હોસ્પિટલ'ના ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટણ ઉત્તર ગુજરાતમાં આરોગ્ય
સારવારનું એક મોટું સેન્ટર છે. અત્યાર સુધી અહીં કેન્સરની વિશિષ્ટ સારવાર સુવિધાનો
અભાવ હતો, જે આ હોસ્પિટલના પ્રારંભથી દૂર થયો છે. હવે પાટણ અને
આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે. આ પ્રસંગે
તેમણે હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનારા દાતાઓ અને ટ્રસ્ટીઓની સેવાભાવનાને બિરદાવી
હતી. મુખ્યમંત્રીએ બદલાતી જીવનશૈલી અને તેનાથી
થતા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આજના ભૌતિકતાવાદી યુગમાં માનસિક તણાવ, ડાયાબિટીસ અને
બ્લડ પ્રેશર જેવા રોગો વધી રહ્યા છે. તેના કારણે લોકોમાં વ્યસન અને તંબાકુનું પ્રમાણ
પણ વધે છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. પ્રમોદભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણની
જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ
હાંસલ કરી છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલ દ્વારા 15 લાખથી વધુ ઓપીડી અને 1.50 લાખથી વધુ આઈપીડીની સારવાર તથા 1 લાખથી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે. આ
ઉપરાંત, 1.50 લાખથી વધુ સીટી સ્કેન, 50 હજારથી વધુ એમઆરઆઈ, 15 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને 2 હજારથી વધુ એન્જિયોપ્લાસ્ટી જેવી અત્યાધુનિક
સેવાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે
દાતાઓના સન્માન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સાંસદ ભરતાસિંહ ડાભી,
બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય બલવંતાસિંહ રાજપુત લાવિંગજી
ઠાકોર, કિરીટ પટેલ,
જિલ્લા કલેક્ટર ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા
પોલીસ અધીક્ષક વી કે નાયી, વિશ્વ ગુજરાતી સમાજના ભાવેશ લાખાણી,
એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ,
અગ્રણી કે સી પટેલ, સંસ્થાના પ્રમુખ મનસુખ પટેલ,
મુખ્ય દાતા વિનોદભાઈ ઝવેરી, કેન્સર હોસ્પિટલના
દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.