નવી
દિલ્હી, તા.
1 : કોમનવેલ્થ સમિટ પહેલાં બ્રિટિશ વડાપ્રધાન એન્ડી
બર્નહમે એક મહત્ત્વપૂર્ણ નિવેદનમાં એટલાન્ટિક મહાસાગર પારના ગુલામ વેપાર અંગે ખુલ્લી
માફી માગવાની તૈયારી દર્શાવી હતી. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ
આ માટે કોઈ વળતર ચૂકવવા તૈયાર નથી. એક મીડિયા હેવાલ મુજબ, બ્રિટિશ
નેતા એન્ડી બર્નહમે જણાવ્યું હતું કે, લોકોએ જે પીડા સહન કરી
છે તે તેઓ સ્વીકારે છે અને તે બદલ તેમને ઊંડો ખેદ છે. ભૂતકાળના અત્યાચારોના ઘા હજુ
પણ ભુંસાયા નથી. જો કે, વળતરની વહેંચણી એ કોઈ ઉકેલ નથી તેવી દલીલ કરતાં કહ્યું હતું કે, આજના બ્રિટિશ નાગરિકોને ભૂતકાળની તે ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. બ્રિટનના
રાજા ચાર્લ્સ હાલમાં કેરેબિયન દેશોના પ્રવાસે છે. બહામાસમાં રાજા ચાર્લ્સે ગુલામીના
મુદ્દા પર વાત કરી અને બ્રિટિશ શાસન દરમિયાન જેમણે પોતાના જીવ ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ
આપી હતી. અત્યાર સુધી, બ્રિટને ક્યારેય આ પ્રકારની માફી માગી
ન હતી. જો કે, આ વિષયની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બ્રિટને
હવે માફી માગવી યોગ્ય ગણી છે. ઉલ્લેખનીય છે કે, 1833માં બ્રિટિશ સંસદે ગુલામીને ગેરકાયદેસર જાહેર
કરી હતી. સંસદમાં આવો ઠરાવ પસાર થયા પછી પણ બ્રિટને અન્ય રાષ્ટ્રો પરનું પોતાનું શાસન
સમાપ્ત કર્યું નહીં અને તેમનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. નોંધનીય છે કે, બ્રિટિશ રાજકારણી એન્ડી બર્નહામ
ભારતની મુલાકાત લેવા ઉત્સુક છે અને તેમની આ મુલાકાત ટૂંક સમયમાં થઈ શકે છે.