ઢાકા, તા. 31 : બાંગલાદેશને તેની જ ધરતી પર
ટેસ્ટ મેચમાં મ્હાત આપવી ક્યારેય આસાન રહી નથી, પરંતુ શનિવારે વેસ્ટ ઇન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતાં ઢાકા ટેસ્ટ 8 વિકેટે પોતાનાં નામે કરી લીધી છે. જોમેલ
વારિકનની સ્પિન બાલિંગ અને બ્રેન્ડન કિંગની અણનમ 81 રનની ઈનિંગના સહારે કેરેબિયન ટીમે ચોથી ઈનિંગ્સમાં 170 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ
કરી બે મેચની શ્રેણીમાં 1-0ની મહત્ત્વપૂર્ણ
સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ દાવમાં બાંગલાદેશ
તરફથી ઓપનર શાદમાન ઇસ્લામે 105 રનની સદી
ફટકારી હતી. બીજી તરફ વારિકને 53 રનમાં 5 વિકેટ ઝડપી બાંગ્લાદેશને 272 રને રોકી દીધી હતી. જવાબમાં
વેસ્ટ ઇન્ડિઝની ટીમ જ્હોન કેમ્પબેલ અને તેજનારાયણ ચંદ્રપોલની અડધી સદી તથા જસ્ટિન ગ્રીવ્સ
(46) અને કેપ્ટન રોસ્ટન ચેઝ (43 અણનમ)ના પ્રદાન છતાં 245 રનમાં સમેટાઈ ગઈ હતી. નયીમ
હસને 4 વિકેટ ઝડપી બાંગ્લાદેશને 27 રનની પ્રારંભિક લીડ અપાવી હતી.
જોકે, બીજા દાવમાં કેરેબિયન સ્પિન બાલિંગ સામે બાંગ્લાદેશી
બાટિંગ ક્રમ સાવ વેરવિખેર થઈ ગયો હતો. કેપ્ટન રોસ્ટન ચેઝે 5 વિકેટ અને વારિકને 4 વિકેટ ઝડપી બાંગલાદેશને 142 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
બાંગલાદેશ તરફથી નયીમ હસને સર્વાધિક 56 રન બનાવ્યા હતા. મેચમાં કુલ 9 વિકેટ લેનાર વારિકનને `પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.