ગાંધીધામ, તા. 1 : ગાંધીધામના અનેક વિસ્તારોની ગટરનું પાણી બસ
સ્ટેન્ડ પાસેના મુખ્ય પાંપિંગ સ્ટેશનમાં આવે છે અને ત્યાંથી અન્ય પાંપિંગ સ્ટેશન ગટરનું
પાણી લઈને જતી મુખ્ય લાઈનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ ઉપર ભંગાણ પડતાં દૂષિત
પાણી રેલવે વિસ્તારમાં તેમજ ધોરીમાર્ગ ઉપર ભરાયું હતું. ત્યારબાદ આ પાણીનો વરસાદી નાળાંમાં
નિકાલ કરાયો હતો. વારંવાર લાઈનમાં ભંગાણ અને પપિંગ સ્ટેશનમાં ખામી મુસીબત ઊભી કરે છે, તંત્ર આ બાબતે પગલાં ભરે તેવી
માંગ પણ ઊઠી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ
રોડ ઉપર આ મુખ્ય લાઈનમાં વારંવાર ભંગાણ પડે છે. ખાનગી કંપની પાસે મુખ્ય લાઈનોની અને
તમામ પાંપિંગ સ્ટેશનોની મરંમતની જવાબદારી છે. ગાંધીધામ-આદિપુરનું દૂષિત પાણી ખાનગી
કંપની વરસામેડીના તેના મુખ્ય પ્લાન્ટમાં લઈ જાય છે. થોડા સમય પહેલાં જ આ લાઈન બેસી
ગઈ હતી, ત્યારે પણ દૂષિત પાણી રેલવે વિસ્તારમાં ભરાયું હતું,
જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને આ વખતે
રેલવે વિસ્તારની સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગના વરસાદી નાળાંમાંથી પણ પાણી ધોરીમાર્ગ ઉપર
પહોંચ્યું હતું. ત્યારપછી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવતાં જે મુખ્ય વરસાદી
નાળાં છે, તેમાં પાણીનો નિકાલ કર્યો હતો. તત્કાલીન સમયની નગરપાલિકાએ
જોડિયા શહેરોનું પાણી કંપનીને આપ્યું હતું અને તેની સાથે સાથ તમામ પાંપિંગ સ્ટેશનનોનું
સંચાલન પણ તેમને સોંપી દેવામાં આવ્યું હતું અને ત્યારપછીની મરંમત અને દેખરેખની જવાબદારી
આ કંપનીની છે. ધોરીમાર્ગ ઉપર વારંવાર આ મુખ્ય લાઈનમાં ભંગાણ પડે છે તેમ છતાં યોગ્ય
પગલાં ભરાતાં નથી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા કરીને પગલાં ભરવામાં
આવે તેવી માંગ ઊઠી છે.