પૂર્વી
ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 01 : દેશની સાથે કચ્છમાં પણ ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકોની
સંખ્યા પ્રતિ વર્ષ ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે, જેમાં મુખ્ય ફાળો ટિયર-ત્રણ
શહેર અને નવી પેઢી (જેન-ઝી)નો છે. કુલ ઇ-કોમર્સ
બિઝનેસમાં સૌથી વધુ હિસ્સો ઓનલાઇન માર્કેટપ્લેસ જેમ કે એમેઝોન, ફ્લીપકાર્ટ, મિત્રા વિગેરેનો છે. - સ્થાનિક બજારને અસર : સામાન્ય રીતે દિવાળી પર ભુજ અને આસપાસની લોકલ માર્કેટોમાં ખરીદી માટે ભારે
ભીડ જોવા મળતી હોય છે,
જ્યાં લોકો પરિવાર સાથે ખરીદીનો આનંદ માણે છે, પરંતુ આજકાલ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પણ તહેવારોનો વિશેષ સેલ અને ડિસ્કાઉન્ટને
કારણે વર્ચ્યુઅલ ભીડ જામતી જોવા મળે છે. માત્ર યુવાનો જ નહીં, પરંતુ વડીલો પણ હવે સમય બચાવવા માટે ઓનલાઇન ખરીદી તરફ વળ્યા છે. જો કે,
આ વલણ વચ્ચે પણ એક એવો વર્ગ પણ છે, જે વસ્તુઓને
પ્રત્યક્ષ જોઈ, સ્પર્શ કરી અને ચકાસીને જ ખરીદવામાં માને છે.
- ખરીદીનું આકર્ષણ : ગ્રાહકો સોશિયલ મીડિયા પર ભલામણો જોઈને અથવા
લાઈવ વીડિયોનાં માધ્યમથી ગ્રોસરી, સ્પોર્ટ્સ, ફિટનેસ અને ફેશન પ્રોડક્ટ્સ
ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓમાં તહેવારોના માહોલમાં ગૃહ સજાવટની
તૈયાર ચીજવસ્તુઓ અને કાચો માલસામગ્રી ખરીદવાનો ભારે ઉત્સાહ જોવા મળે છે. જો કે,
ઇલેક્ટ્રોનિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં આવતા નકલી રિવ્યુઝ ઘણીવાર ગ્રાહકો
માટે ખરીદીમાં મોટો અવરોધ પણ સાબિત થાય છે. ઇન્ટરનેટનો ફેલાવો, સરળ યુપીઆઈ પેમેન્ટ્સ જેવી વ્યવસ્થાઓ આ બજારને વેગ આપી રહી છે. આમ,
તો ઓનલાઈન પેમેન્ટથી ફિઝિકલ અને ડિજિટલ બંને માધ્યમને ઉધારીની જટિલતામાંથી
રાહત મળી છે. - ઓનલાઇન
તુરંત મળે : માધાપરના રહેવાસી મનીષભાઈ માહેશ્વરી આ અંગે
પોતાના અનુભવ વિશે જણાવતા કહે છે, `ઘણી વસ્તુઓ એવી હોય છે, જે મોબાઇલ એસેસરીઝ જેવી હોય
અને સામાન્ય રીતે સ્ટોરમાં નથી મળતી, તે ઓનલાઇન આંગળીનાં ટેરવે
મળી જાય છે, પરંતુ જ્યારે કોઈ મોટી કે મૂલ્યવાન વસ્તુ લેવાની
વાત આવે છે, ત્યારે હું સ્ટોરમાંથી ખરીદવાનું જ પસંદ કરું છું,
જેથી વેચાણ પછી સર્વિસનો પૂરો લાભ મળી રહે.' તેમણે
ઉમેર્યું કે, હાથવગી સરળતાને લીધે લોકોની ખરીદ ક્ષમતા વધી અને
બજેટ ખોરવાયું છે. આકર્ષિત કરતી એક ક્લિક પર મળતી વસ્તુઓએ બિનજરૂરી ખર્ચ વધારવામાં
ફાળો વધારી દીધો છે. - સાવચેત
બનવું જોઇએ
: ભુજનાં હસ્તકલા કારીગર દીપ્તિબેન રાઠોડ, જેઓ પોતે ઓનલાઇન અને ઓફલાઇન
બંને માધ્યમથી ખરીદ-વેચાણ કરે છે, તેમનું માનવું છે કે,
ઓનલાઇન શાપિંગને કારણે રિટેલ સ્ટોર્સ પર થોડી અસર જરૂર પડી છે,
પરંતુ `લોકલ
ફોર વોકલ'ને પ્રોત્સાહન
આપવાની વાત આવે, ત્યારે ગ્રાહક સ્પર્શ અને અનુભવને જ પ્રાધાન્ય
આપે છે. ઓછા ભાવની લાલચમાં ઘણીવાર નકલી કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ પણ મળી જતી હોય
છે, જેના કારણે ગ્રાહકો હવે સાવચેત બન્યા છે. - દુકાન કરતાં સસ્તું : કલ્પનાબેન મહેતાએ કહ્યું કે, ત્યાં સસ્તુ મળે છે,
મેં મારા સંબંધી માટે વર્ષો પહેલાં મીકા (અબરક) રાજસ્થાનના વેપારી પાસેથી
મગાવ્યું હતું, ત્યારે વેબસાઈટ શોધવી, માલ
મળવામાં મોડું થવું જેવી અડચણો રહી હતી, પરંતુ થોડા સમય પહેલાં
મને એ એપમાં ખરીદી કરતા સરળ અને ઝડપી મળી ગયું હતું.