સાઉથેમ્પટન,તા. 16 : શ્રીલંકાની
ટીમ વ્હાઇટ બોલ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. જો કે, પહેલી મેચમાં જ શ્રીલંકાને 119 રને કારમી હાર મળી છે. ઇંગ્લેન્ડ
માટે કેપ્ટન હેરી બ્રુકે શાનદાર સદી કરી હતી અને જોસ બટલરે પણ કમાલની બેટિંગ કરી હતી.
255ના લક્ષ્ય સામે શ્રીલંકા 135 રનમાં ઓલઆઉટ થયું હતું. શ્રીલંકાના
કેપ્ટન ચરિત અસલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ માટે
ઉતરી, ત્યારે પહેલો ઝટકો 31ના કુલ સ્કોરે લાગ્યો હતો અને અન્યુરિન
ડોનાલ્ડ 12 રને આઉટ થયો હતો. જો કે, બીજી વિકેટ માટે 120 રનોથી વધુની
રાહ શ્રીલંકાએ જોવી પડી હતી. અને 12 ઓવરમાં 159 રન ઝુડાયા
હતા. જોસ બટલરે 44 બોલમાં 80 રન કર્યા હતા, જ્યારે બ્રુકે 42 બોલમાં પોતાની સદી પૂરી કરી
હતી. તે 49 દડામાં 10 ચોગ્ગા અને છ છગ્ગા સાથે 114 રને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડે
20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને
254 રન કર્યા હતા. મોટા લક્ષ્યનો
પીછો કરતી શ્રીલંકાની ટીમ ઉપર દબાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું અને જોતજોતામાં 135 રને પૂરી ટીમ સમેટાઈ હતી. એકમાત્ર
દુનિત વેલાલગેએ સૌથી વધારે 33 રન કર્યા
હતા. ઇંગ્લેન્ડ માટે સન્ની બેકરે 12 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે લિયામ ડોસન અને જેમી ઓવરટનને
2-2 વિકેટ મળી હતી.