• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં હાઇવેનું નવ કરોડનુ નાળું પાણી નિકાલમાં વિલન બન્યું

ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ સંકુલમાં 24 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીઓ અને વિકાસની પોલ ખુલી ગઈ છે. આદિપુરથી લઈને ગાંધીધામ સુધી અલગ-અલગ વિસ્તારોનું પાણી અલગ- અલગ નાળાઓ અને માર્ગો મારફતે હાઈવે સુધી પહોંચ્યું હતું પરંતુ જ્યાં હાઈવેનુ નવ કરોડ રૂપિયાનુ નાળુ બને છે તે પાણી નિકાલમાં વિલન બનતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે ટાગોર રોડનું નાળુ પણ નિષ્ફળ જતા સર્વિસ રોડમાં જળ ભરાવ થયો હતો. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગના રેલવે બાજુના સર્વિસ રોડ ઉપર જે નવ કરોડ રૂપિયાના ખર્ચે  બનાવાતું નાળુ આ વખતે મુસીબત બન્યુ હતું. ખરેખર તો આ બિન જરૂરી ખર્ચ છે વર્ષોથી કુદરતી રીતે પાણી તે નાળામાંથી નીકળી જતું હતું મહાનગરપાલિકા અને સુરાતન ચડ્યું અને નવ કરોડ રૂપિયા ખર્ચને નાળાનું નિર્માણ શરૂ કરાવ્યું. ખરેખર આ કામ રોકાવીને બિનજરૂરી ખર્ચ ટાળવો જરૂરી હતો પણ એવું થયું નથી.  પરિણામે આ વરસાદમાં જે રીતે પાણીનું નિકાલ ત્યાંથી થવો જોઈએ તે રીતે ન થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.  જે આઉટસોર્સના એન્જિનિયરો અને તેની ઉપર નજર રાખતા સીટી ઇજનેરને તો પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.બીજી તરફ ટાગોર રોડનું વરસાદી નાળુ પાણી વહનમાં નિષ્ફળ નિવડતા તે પાણી અલગ-અલગ વિસ્તારોમાં ફંટાયુ હતું. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.  ભારતનગર સહિતના શ્રમજીવી અને મધ્યમ વર્ગીય વિસ્તારોમાંથી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી પરિણામે મંગળવારે પણ મોટાભાગના માર્ગો પાણીથી ભર્યા છે. આદિપુરમાં પણ આવી જ સ્થિતિ છે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. રામબાગ રોડ અને તેની સામેથી ટાગોર રોડ તરફ જતો માર્ગતો વરસાદમાં તૂટી ગયો છે અનેક જગ્યાએ લોકોના વાહનો ફસાયા છે.  આ વરસાદમાં હલકી ગુણવત્તાના કામો છતાં થયા છે તેમ છતાં કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અને સીટી ઇજનેર સહિતના અધિકારીઓ મુક્ત પ્રેક્ષક બનીને રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.  અનેક જગ્યાએ જે કામો થઈ રહ્યા છે તેમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીઓને લાભ પહોંચાડવા માટે જ કામો થતા હોય તેવા ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.  રાજ્ય સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે - શહેરના બે મુખ્ય નાલામા પાણી વહન થયું નહીં : ક્રોમા સેન્ટરથી સોની સમાજ વાડી સુધી અને ટાગોર રોડથી શિવાજી પાર્ક બગીચાથી લઈને 400 ક્વોટર સુધીના ડામરના માર્ગોની લગોલગ જે વરસાદી નાળાઓ બનાવ્યા છે તેમાંથી યોગ્ય રીતે પાણીનો નિકાલ થયો નથી રોડ ઉપરથી પાણી ટાગોર રોડના નાળામાં જતું હતું. જો રોડ ઉપરથી જ પાણીને વહન કરવાનું હતું તો લાખો કરોડો રૂપિયાનો બોજ તિજોરી ઉપર શું કામ નાખ્યો તે સહિતના સવાલો ઊભા થયા છે.  મહા પાલિકા પગલાં લેશે તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. - ઓસ્લો સર્કલથી ગણેશનગર તરફનો ડામર માર્ગ બેસી ગયો : ગોપાલપુરી કોલોનીના ગેટથી લીલાશાહ સર્કલ અને ત્યાંથી ઓટલો અને ત્યાંથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના ગૌરવ પથમાર્ગનું ગૌરવ હણાઈ ગયું છે જે પથ બચ્યો છે તે પણ અનેક જગ્યાએ બેસી ગયો છે ઓસલો સર્કલથી ગણેશ નગર તરફ જતો આ ડામર રોડ અનેક જગ્યાએ બેસી ગયો છે કમિશનર અને સીટી ઇજનેર નિરીક્ષણ કરીને પગલા ભરશે કે નહીં તે સહિતના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.     

Ram Katha

Vyapar Utsav

Panchang

dd