• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સંકલ્પથી સિદ્ધિ સુધી : સેવાનો લોકોત્સવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આનંદ, ઉત્સાહ સાથે સેવાનો ઉત્સવ પણ છે. આ ઉજવણી ખરેખર તો લોકોત્સવ છે અને નરેન્દ્રભાઈએ લોકકલ્યાણના આશયે તથા લોકોના લાભાર્થે અનેક નિર્ણયો પોતાના ત્રણ કાર્યકાળમાં લીધા છે. એમના 76મા જન્મદિવસે ભારતીય જનતા પક્ષ દ્વારા `સેવા સંકલ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી - એક મહિના સુધી આયોજિત - ઉજવણીના ભાગરૂપે લોકકલ્યાણ, સમર્પણ અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતા 14 મોડયુલ્સ દેશભરમાં અમલી બનશે. આ માટે ઉત્તરપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં વહીવટી સ્તરે વ્યાપક તૈયારી થઈ છે, પણ વાસ્તવમાં મોદીનો જન્મદિવસ એક સામાજિક પર્વ બની જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે નેતાઓના જન્મદિવસનો આનંદ `પ્રેરિત' હોય છે તેમાં નરેન્દ્રભાઈ અપવાદ છે : એમનો આનંદ લોકકલ્યાણના લાભાર્થીઓના સંતોષથી ઊભરાય છે. જન્મદિવસની પૂર્વસંધ્યાએ એમણે દેશવાસીઓને નવી - અલગ જ ભેટ આપી છે. યુપીઆઇ પેમેન્ટ વ્યવહાર માટે નવા નિયમ જાહેર થયા છે તેમાં મુખ્ય - નોંધપાત્ર જોગવાઈ એ છે કે, બે હજાર રૂપિયા સુધીનો વ્યવહાર વેરામુક્ત હશે અને તેથી વધુ રકમના વ્યવહાર ઉપર નજીવો ચાર્જ હશે. નાગરિકો અને નાના વ્યાપારીઓનાં હિત જળવાયાં છે. જાહેરહિત અને આવશ્યક સેવાઓ સંલગ્ન ક્ષેત્રો માટે વિશિષ્ટ દર જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં આજે છૂટક વ્યાપાર-ધંધા કરતા લોકો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા આશીર્વાદરૂપ છે. મોટા વ્યાપારીઓ ઉપર નજીવો ભાર આવે તે ખુશીથી સ્વીકારવો જોઈએ એવી નાણામંત્રી નિર્મલા સીતારામને અપીલ કરી છે. `ઇન્ડિયા ટુડે' દ્વારા લોકમત - જનતાનો અભિપ્રાય જાણવા માટે વૈજ્ઞાનિક રીતે સર્વેક્ષણ થયું તેમાં અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો એનડીએને બહુમતી મળવાનું તારણ છે. વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીની તરફેણમાં 48.7 ટકા મત છે. રાહુલ ગાંધી માટે 27.1 ટકા છે. આ તફાવત બાવીસ-ત્રેવીસ ટકા જેટલો છે, જોસેફ વિજયના 9.2 ટકા છે. અખિલેશ યાદવ અને કેજરીવાલના માંડ એક-દોઢ ટકા છે! અલબત્ત, ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં લોકપ્રિયતા - લોકપસંદગીમાં ફેરફાર થઈ શકે છે પણ અત્યારે સંજોગો આવા છે. આ સર્વેક્ષણમાં રસપ્રદ તારણો છે. અત્યાર સુધીના વડાપ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ? તો મોદીને 41 ટકા, ઇન્દિરાજીને બાર ટકા, વાજપેયીજીના 15 ટકા, ડો. મનમોહન સિંહના 14 ટકા છે. અત્યારની લોકપ્રિયતામાં જોસેફ વિજયને 9.2 ટકા મળ્યા તે આશ્ચર્યજનક છે, પણ વડાપ્રધાનપદની રેસ-સ્પર્ધામાં ગણના કેવી રીતે થાય? નરેન્દ્ર મોદી તથા એમની સરકારે સ્થિર સરકાર આપી છે. મોદી સરકારે હંમેશાં આપત્તિને અવસર ગણીને ઉત્સવ ઊજવ્યા છે તેથી લોકોનો સહકાર અને આવકાર મળ્યો છે. લોકતંત્રમાં વિપક્ષ અનિવાર્ય છે. વિપક્ષની હાજરી સિવાય લોકતંત્ર શક્ય જ નથી, પણ વિપક્ષ જવાબદાર હોવા જોઈએ. રાષ્ટ્રકારણને રાજકારણથી મુક્ત રાખવું જોઈએ. આપણા વિપક્ષો માત્ર `િવરોધ' પક્ષો બની ગયા છે તેથી પ્રતિષ્ઠા ગુમાવી છે, જનતાનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે. મોદી સરકાર - હકીકતમાં નરેન્દ્ર મોદીને હટાવવાના પ્રયાસ દેશમાં અને વિદેશમાં પણ થયા છે, થઈ રહ્યા છે. દુનિયામાં કોઈ શાસક - નેતાએ નહીં સાંભળી હોય તેવી ગલીચ-ગાળ, અપશબ્દો - મોદીએ સાંભળ્યા છે. આ એમની સહનશક્તિ છે. વિરોધીઓનાં માનસ સમજવાની સમજશક્તિ છે. ભૂતકાળના વડાપ્રધાનોના ભ્રષ્ટાચાર - માનસિક - શારીરિક અને શાસકીય - જાણવા હોય તો ઇતિહાસ વાંચવા જોઈએ. મોદીની સિદ્ધિ - સફળતાના સાક્ષી સમસ્ત દેશવાસીઓ છે. જન્મદિવસની પૂર્વસંધ્યાએ `િબ્રક્સ શિખર પરિષદ'ની સફળતાએ વડાપ્રધાનની સિદ્ધિઓની યાદીમાં ઉમેરો કર્યો છે. વિરોધીઓ માત્ર નકારાત્મક ટીકા કરવા ટેવાયેલા છે, મોદી ઉપર ટીકાપ્રહાર અને અભદ્ર ભાષાપ્રયોગ રોજિંદો વ્યવહાર છે. સમજદાર નાગરિકો એના પાછળના ઈરાદા બરોબર સમજે છે અને મોદી નચિંત છે. નરેન્દ્ર મોદી કહે છે, 140 કરોડ દેશવાસીઓ - માતાઓ - બહેનોનું સુરક્ષાકવચ મળ્યું છે તેથી તમામ પ્રહારો નિષ્ફળ જાય છે. ટીકા કરવી અને વિરોધ કરવો - આ બન્ને અલગ છે. ટીકા રચનાત્મક હોવી જોઈએ અને વિરોધ માત્ર નકારાત્મક હોય છે. લોકતંત્રની સફળતા માટે વિપક્ષોએ જાગૃત રહેવું જોઈએ, સક્રિય સચિંત રહેવું જોઈએ પણ સત્તા માટે રાષ્ટ્રહિત જોખમમાં મુકાય નહીં, પણ આપણા વિપક્ષો કુપ્રચારથી લોકોને ગેરરસ્તે દોરવાના પ્રયાસ કરે છે ! ભારતનો રાજકીય ઇતિહાસ - ભૂતકાળ જોનારા, જાણનારા લોકોને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે તેથી મોદી મેજિક યથાવત્ છે અને મોદી ભારત ભાગ્યવિધાતા છે... આજના દિવસે નરેન્દ્રભાઈને અસંખ્ય ભારતવાસીઓના આશીર્વાદ મળશે. 2047 સુધીમાં ભારતને મહાન બનાવવાનું સ્વપ્ન સાકાર કરવામાં ભારતવાસીઓનું યોગદાન આપવાનો સંકલ્પ લેવાનો આ અવસર છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd