મુંબઇ, તા. 16 : લગ્નસરા અને તહેવારોની મોસમથી
બરાબર પહેલાં જ સોનાંનું હોલમાર્કિંગ 67 ટકા જેટલું મોંઘું થઇ ગયું છે. કિંમતી ધાતુના હોલમાર્કિંગની
ફી વધતાં ઘરેણાંની કિંમત પર પણ થોડીઘણી અસર થશે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ
સોનાનાં ઘરેણાં અને આર્ટવર્ક પર હોલમાર્કિંગની ફીમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. હવેથી
દરેક જ્વેલર્સને દરેક દાગીના પર 45ના સ્થાને
75 રૂપિયા ચૂકવવા પડશે. નવા નિયમ
મુજબ માન્યતાપ્રાપ્ત અસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં ઘરેણાં જમા કરાવનારે આ વધારો
ભરવો પડશે. જો કે, આ ફી વધારાનો
મતલબ એવો જરા પણ નથી કે ગ્રાહકોને દરેક સોનાંનાં ઘરેણાંની ખરીદી પર આ વધારો ચૂકવવો
જ પડશે. બીજીતરફ ચાંદીના દાગીના પર માન્યતાપ્રાપ્ત સેન્ટરમાં જ્વેલર્સને પ્રતિ ઘરેણાં
35 રૂપિયા ફી ચૂકવવાની રહે છે.
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના જણાવ્યાનુસાર હોલમાર્કિંગનો હેતુ ગ્રાહકોને
સોના-ચાંદીની શુદ્ધતાની ખાતરી આપવાનો છે. હોલમાર્ક યુનિક આઇડેન્ટીફિકેશન નંબર એક છ
આંકડાનો અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે જે દરેક સોનાંના દાગીનાને એક અલગ ઓળખ આપે છે.