માંડવી, તા. 16 : ત્રણેક મહિના પહેલાં લાંબા
સમયથી નવા વાઘા પહેરવા આતુરતાથી તરસતા નલિયા હાઇવેને માધવ નગર-બાબાવાડી-સુમતિનાથ વિસ્તાર
સાથે જોડતા 720 મીટર લાંબા લિંક રોડ વરસાદી
થપાટો ખમવા લાચાર થઇ બેસી જતાં હાલાકી સર્જાઈ હોવાનો બળાપો બહાર આવ્યો છે. મળેલી જાણકારી
મુજબ આ વિકાસકામ સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા
62 લાખના ખર્ચે ડામરથી મઢવાના
કામનો પ્રારંભ જૂન માસ આસપાસ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર-1માં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓના રહેવાસીઓમાં
હર્ષની લાગણી અને માગણી સંતોષાતાં આનંદ હતો, જે અલ્પજીવી નીવડયો છે. પદભાર વહન કર્યા બાદ
નગરપાલિકાના અધ્યક્ષા વર્ષાબેન જોષી, કારોબારી ચેરમેન વિજય ગઢવી,
બાંધકામ સમિતિના ચેરમેન જશુબેન હીરાણી વગેરેએ સ્થળ મુલાકાત-જાત નિરીક્ષણ
સાથે સંબંધીતોને એવી ટકોર કરી હતી કે કેન્દ્ર / રાજ્ય સરકાર રૂપિયા આપે છે,
એટલે રોડ બનાવી દેવો. તેવું નથી. રોડ બનાવતાં પહેલાં એવું આયોજન કરાય
કે, 10 વર્ષ સુધી રસ્તાઓ ખરાબ ન થાય.
ભવિષ્યમાં જે-જે સોસાયટીઓમાં રોડ-રસ્તા બનાવવામાં આવે તે સોસાયટીઓમાં પીવાના પાણીના
પાઈપ, ભૂગર્ભ ગટરના પાઈપ નાખવામાં આવેલ છે કે નહીં
તેમજ વીજપોલ ઊભા કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કર્યા બાદ રસ્તાઓનું કામ કરવા તાકીદ
કરી હતી. રસ્તા બનાવવામાં આવે છે તે રસ્તા પર વરસાદી પાણી ન ભરાય તેની ખાસ કાળજી રાખવા
સૂચના આપેલી હોવાનું માહિતીગારોએ કહ્યું હતું. હવે દબાય નમ: થયેલા માર્ગ મજબૂતાઈથી લાંબી આવરદાવાળા સત્વરે સાકાર
થાય એવી માગણી સંભળાઈ છે.