• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

લ્યો બોલો ખેડૂતોને મળેલું વળતર 9 વર્ષે પરત આપવા આદેશ

રતનાલતા. 16 :  વર્ષ 2018માં કચ્છમાં સર્જાયેલી પાણીની અછતની પરિસ્થિતિ દરમિયાન પાણીની પાઇપલાઇન નાખવા માટે પોતાની જમીન આપનાર રતનાલ, ચૂબડક અને વાવડી ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ હવે ચૂકવાયેલા વળતરની રકમ પરત વસૂલવા અંગે નોટિસ મળતા તેનો વિરોધ નોંધાવ્યો છે.  પ્રત્યેક ખેડુત પાસેથી  80 હજારનથી ચાર લાખ સુધીની  રીકવરીની નોટીસ આપવામાં આવી છે. આ  ઉપરાંત અન્ય ગામના ખેડુતોને પણ નોટીસ આપવાની બાકી હોવાનું જાણવા મળે છે. - લેખીત સ્પષ્ટતા આપો  : આ અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આવેદનપત્ર પાઠવી રિકવરીની નોટિસ તાત્કાલિક રદ કરવા તેમજ સમગ્ર મામલે લેખિત સ્પષ્ટતા અને એન.ઓ.સી. આપવા માંગ કરી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, વર્ષ 2018માં કચ્છમાં વરસાદની અછતને કારણે પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કચ્છમાં પાણીની અછત ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની સૂચના બાદ પાણીની પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.પાઇપલાઇન ખેડૂતોની જમીનમાંથી પસાર થવાની હોવાથી વળતરના મુદ્દે શરૂઆતમાં ખેડૂતો દ્વારા કામગીરી અટકાવવામાં આવી હતી. ત્યારબાદ અંજાર નાયબ કલેક્ટર કચેરી ખાતે નર્મદા વિભાગના અધિકારીઓ અને ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રતિનિધિઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ખેડૂતોને ચૂકવવાના વળતર અંગે નિર્ણય/ઠરાવ કરવામાં આવ્યો હતો.  - ધોરણસરની કાર્યવાહી બાદ વળતર અપાયું હતું : તત્કાલીન સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને દરેક સર્વે નંબરનું નિરીક્ષણ અને માપણી કરવામાં આવી હતી. પંચોની હાજરીમાં પંચરોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તે મુજબ ખેડૂતોને વળતરની રકમ ચૂકવવામાં આવી હતી.તેમ છતાં કચ્છમાં પાણીની અછતની સ્થિતિ ન સર્જાય અને પાઇપલાઇનનું મહત્વપૂર્ણ કામ અટકી ન પડે તે હેતુથી ખેડૂતો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને પોતાની જમીનમાંથી પાઇપલાઇન પસાર થવા દીધી હતી. વળતરની રકમ અંગે કોઈ વાંધો કે ખામી હતી, તો તે સમયે સ્થળ સર્વે, પંચરોજકામ અને સંબંધિત અધિકારીઓની પ્રક્રિયા બાદ ચૂકવણી શા માટે કરવામાં આવી? વર્ષો બાદ એ જ ચૂકવાયેલી રકમ પરત વસૂલવા માટે નોટિસ આપવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. - નિરાકરણ નહી આવે તો આંદોલન કરાશે : ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે વળતરની રકમ પરત વસૂલવા અંગે આપવામાં આવેલી નોટિસ રદ કરવામાં આવે અને ખેડૂતોને ચૂકવવામાં આવેલી રકમ અંગે સત્તાવાર લેખિત સ્પષ્ટતા સાથે એન.ઓ.સી. આપવામાં આવે, જેથી આ મામલે ખેડૂતો પર ભવિષ્યમાં કોઈ રિકવરીની કાર્યવાહી ન થાય તેમ ખેડૂતો એ જણાવ્યું હતું.અસરગ્રસ્ત ખેડૂતોએ સમગ્ર મામલે તાત્કાલિક યોગ્ય નિકાલ લાવવા માંગ કરી છે. જો સમયસર ન્યાયસંગત નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ન્યાયની લડત કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd