જીનીવા, તા. 15 : વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ આ વર્ષના
અંતમાં 24 નવેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન તેના ગઢ ગણાતા
સ્વિટ્ઝરલેન્ડના જીનિવા ખાતે યોજાશે. અહીં ઇતિહાસના સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન, ભારતના 20 વર્ષીય ડી. ગુકેશને ઉઝબેકિસ્તાનના
વર્લ્ડ ચેલેન્જર જાવોખીર સિંદારોવ પડકારશે. વર્ષ 2004માં પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ હતી, જ્યાં વ્લાદિમીર ક્રેમનિકે પીટર લેકોને હરાવ્યો
હતો. હવે 22 વર્ષ બાદ
આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ફરી સ્વિટ્ઝરલેન્ડમાં પરત ફરી રહી છે. આ વખતે જીનિવાના કોલોગ્ની
સ્થિત પ્રખ્યાત `ફાઉન્ડેશન
માર્ટિન બોડમર લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ' ખાતે ચેસ રમાશે. ઓપાનિંગ સેરેમની 22 નવેમ્બરે થશે. પ્રથમથી 14મા રાઉન્ડના મુકાબલા 24 નવેમ્બરથી 11 ડિસેમ્બર રહેશે. આ ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ 25 લાખ યુએસ ડોલર (અંદાજે 23.97 કરોડ રૂપિયા) છે. ખેલાડીને
દરેક જીત બદલ 2 લાખ યુએસ ડોલર (1.91 કરોડ રૂપિયા) મળશે. મેચના અંતે
બચેલી રકમ બન્ને ખેલાડીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવશે.