ભુજ, તા. 16 : શહેરના મહાદેવ નાકે હમીરસર
તળાવની પાળ નજીક ખડકાયેલા લોખંડના બાંકડા દૂર કરવા જાગૃત નાગરિકો દ્વારા માંગ ઊઠી છે.
ભુજ શહેરના મહાદેવ નાકાથી રામધૂન જતા માર્ગે હમીરસરની પાળ પાસેથી ફૂટપાથ પર આડેધડ નખાયેલા
લોખંડના બાંકડા તળાવની સુંદરતાને ઝાંખપ લગાડે છે. ઉપરાંત લારી-ગલ્લાવાળાઓના માલ-સામાન
રાખવાની સુવિધા પરબારી મળી જતી હોવાથી દબાણ માટે પણ કારણભૂત બનતા હોવાની લોક ફરિયાદ
ઊઠી છે. ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા ઉપરોક્ત સ્થળે લોખંડની બેંચ ફિટ કરાઈ હતી, જેમાંથી અનેક બેંચ તો ગુમ થઈ ગઈ છે તેમજ બચેલા
બાંકડા લારી-ગલ્લાવાળાઓએ માલ-સામાન ગોઠવી નાખ્યા હતા. જો કે, તાજેતરની દબાણ હટાવ ઝૂંબેશ પગલે ફૂટપાથ દબાણમુક્ત થઈ ગઈ છે પરંતુ હજુ કેટલીક
જગ્યાએ પડેલા બાંકડા હમીરસરની શોભાને ઝાંખપ લગાડી રહ્યા છે. બાંકડા હોવાથી ધીરેધીરે
દબાણકારો પણ તેની બાજુમાં ગોઠવાઈ જતા હોવાનું પણ લોકોએ ઉમેર્યું હતું. ભુજ નગરપાલિકા
દ્વારા આ બિનજરૂરી બાંકડા દૂર કરી હમીરસરની શોભા કાયમ રખાય તેવી માંગ ઊઠી છે.