નવી દિલ્હી, તા. 16 : મધ્ય પૂર્વમાં
ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરબ અને યમન હવે યુદ્ધના મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છે.
સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુતી બળવાખોરો દ્વારા ઇસ્લામના સૌથી પવિત્ર શહેર
મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, સાઉદી એર ડિફેન્સે સમયસર આ ડ્રોનને હવામાં જ
તોડી પાડીને મોટો અકસ્માત ટાળ્યો છે. બીજી તરફ હુતી જૂથે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો
છે. મક્કામાં ડ્રોન હુમલાના હેવાલને ચિંતાજનક ગણાવીને ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું
હતું કે, મક્કા વિશ્વભરના મુસ્લિમો માટે પવિત્ર સ્થાન છે ત્યારે
આ ગતિવિધિને વખોડીએ છીએ. સાઉદી સંચાલિત ગઠબંધનના પ્રવક્તા તુર્કેઈ અલ - માલિકીના જણાવ્યા
અનુસાર, `રોયલ સાઉદી
એર ડિફેન્સ ફોર્સેસ' દ્વારા આ કાર્યવાહી
કરવામાં આવી હતી. હુતી મિલિશિયા દ્વારા છોડવામાં આવેલું આ દુશ્મન ડ્રોન મક્કા અલ-મુકર્રમાના
પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ તેને આંતરીને નષ્ટ કરી દેવામાં આવ્યું
હતું. આ ઘટના બાદ મક્કા, જેદ્દાહ અને તાઇફ સહિત સાઉદીના પશ્ચિમી
કિનારાના ઘણા શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઈતિહાસમાં પહેલીવાર
મક્કામાં હવાઈ હુમલા અંગેનું સાયરન વાગ્યું અને એર સ્ટ્રાઈક એલર્ટ આપવામાં આવ્યું હતું.
ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે, ઇસ્લામના પવિત્ર સ્થળો અને શ્રદ્ધાળુઓની
સુરક્ષા તેમની `રેડ લાઇન' છે અને તેની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ, હુતી અધિકારીઓએ સાઉદી અરબના
આ દાવાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, મુસ્લિમ
દેશોના સંગઠન `ઓર્ગેનાઇઝેશન
ઓફ ઇસ્લામિક કોઓપરેશન' (એઁએફપી)એ
આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ઓઆઈસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મક્કા અને
મદીના ક્ષેત્રને નિશાન બનાવવાના પ્રયાસોને `ઘૃણાસ્પદ' ગણાવ્યા
છે.