• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

ઘણી ખમ્મા મેઘરાજા !

દીપક માંકડ હજુ ત્રણેક દિવસ પહેલાં કચ્છમિત્રના પ્રતિનિધિઓએ અબડાસા, બન્ની અને લખપત તાલુકાનો પ્રવાસ કર્યો ત્યારે ચોમેર સૂકીભઠ્ઠ ધરતી, પાણી અને ઘાસ માટે તરસતા ઢોરના નિરાશ માહોલમાં માલધારીઓ હિજરતની તૈયારી કરતા દેખાયા હતા. જિલ્લામાં આગોતરી અછત જાહેર કરવાનીય માંગ ઊઠી હતી. કચ્છની આ ફિતરત છે. આ બધું જાણે કરમે જ લખાયેલું છે... પરંતુ કુદરતનો ચમત્કાર એ પણ કચ્છની ખૂબી છે. છેલ્લા બે દિવસથી રચાયેલા વરસાદી માહોલમાં રવિવારની રાત્રે છૂટક ઝાપટાં અને સોમવારે પશ્ચિમ કચ્છ સિવાયના ભાગોમાં ધીમીધારે મહેર વરસ્યા પછી રાત વચ્ચે જાણે ચમત્કાર સર્જાયો હોય એમ ઘણાખરા ભાગોમાં અનરાધાર મહેર વરસતાં એકઝાટકે (હાલ તુરંત) અછતને પાછી ઠેલી દીધી છે. સૂકી નદીઓમાં ખળખળ પાણી વહી નીકળ્યાં છે અને બંજર ધરતીએ મેઘાભિષેકથી પુલકિત  બની છે.  લો પ્રેશર અને પશ્ચિમી વિક્ષોભ જેવાં પરિબળોએ અલ નીનોની બલાને ફંગોળી દીધી છે. તેમાંય રાત વચ્ચે અંજારમાં આઠેક ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં ઐતિહાસિક નગરી જળબંબોળ બની ગઇ હતી. એ પછી મેઘરાજાએ માંડવી તરફ મોરો ફેરવ્યો ને બંદર નગરી પર ફેરવ્યો હોય તેમ બે કલાકમાં પાંચ ઇંચ સાંબેલાધારે વરસતાં માંડવીના માર્ગો જાણે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. મંગળવારની સવારથી બપોર સુધી માંડવીમાં સાત ઇંચ પાણી વરસી ગયું છે. એ સિવાય જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, ભચાઉ, વાગડ, મુંદરા સહિત સમગ્ર જિલ્લામાં સચરાચર મહેર થઇ છે. બન્નીનાં મેદાનોમાં લહેરાતાં પાણીએ પશુઓ અને તેના પાલકોની આંખમાં ચમક લાવી દીધી છે. કચ્છ અને કચ્છીઓ આવા ટાણાની ચાતક નજરે વાટ જોઇ રહ્યા હતા. અષાઢ અને શ્રાવણ એકંદરે કોરાધાકોર ગયા પછી આ વર્ષ કસોટીકારક રહેવાની ભીતિ ડરાવી રહી હતી. સરહદી કચ્છ માટે વરસાદની અવકૃપા, અછત, હિજરતનો લાંબો ઇતિહાસ છે. પશુપાલન આધારિત જિલ્લાના માલધારી કપરા ટાણે અન્ન-જળ ખૂટયા હોય તેમ પોતાના `માલ' સાથે પરભૂમિ ખૂંદવા નીકળી પડયા હોય છે. પોતાનું ઘર, ગામ છોડીને બીજા પ્રદેશમાં રઝળપાટ કરવી આસાન નથી હોતું. ભલે લાંબી વાટ જોવડાવીને આવેલા વરસાદે કચ્છની સ્થિતિ પલટાવી નાખી છે. માફકસરની મહેર સંજીવની પુરવાર થશે. મેઘરાજા કચ્છના ભાગ્યવિધાતા છે. સારા વરસાદથી ઘાસ-વનસ્પતિ લહેરાશે. જ્યાં વાવણી થઇ ચૂકી છે એ ખેતરોમાં મોલને જીવતદાન મળ્યું છે. ખરીફ સિઝન ભલે વીતી ગઇ, પણ રવી સિઝન સારી જવાની સંભાવના છે. જળાશયોમાં હજુ જળસંચયની જરૂર છે. મેઘરાજાને વિનવણી કરીએ કે, આવનારા સમયમાં મહેર વરસાવે તો ખેતી-પાણીને ફાયદો થાય. આ વખતના વરસાદમાં પણ વિસંગતતા છે. એટલે જ કચ્છીઓ તેને `મંઢો મીં' કહે છે. પૂર્વ કચ્છના રાપર-ભચાઉ-અંજાર અને કાંઠાળપટ્ટીના માંડવી-મુંદરામાં ખાસ્સો વરસાદ થયો છે, પણ પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ કંજૂસાઇ કરી છે. અબડાસા, લખપતમાં પાંચ ઇંચ કુલ વરસાદ માંડ પડયો છે. ભાદરવો હજુ શરૂ થયો છે. કચ્છમાં અષાઢ સુધી વરસાદ થયાનો ઇતિહાસ છે. આવનારા સમયમાં સારી મેઘમહેર થાય એવી ઇશ્વરને પ્રાર્થના કરીએ. પેયજળ માટે અને આંશિક ખેતી માટે નર્મદાનાં નીરનો ટેકો મળે છે એ ખરું. ડેમ-તળાવોમાં વર્ષ આખું ચાલે એટલું પાણી આવે તો કચ્છડાની ચિંતા ટળે... ગણેશ ચતુર્થી અને સંવત્સરી જેવા પવિત્ર દિવસોમાં જ મેઘમહેર થઇ છે એ કેવો યોગાનુયોગ...! ગુજરાતની વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો છે. અપૂરતા વરસાદને લીધે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા તુવેર જેવા પાક સૂકાઈ રહ્યા હતા, બે દિવસથી વરસી રહેલા વરસાદે ખેતીને સંજીવની પૂરી પાડી છે. જો આ વરસાદ થયો ન હોત તો પાક નિષ્ફળ જાત. વાવણી પછી સમયસર વરસાદ ન થયો તેથી કૂવા-બોરમાંથી પાણી ખેડૂતોએ લઈ લીધાં, ડેમમાં પાણી પર્યાપ્ત નથી. ચિંતા તો હતી. હવે રાહતના અણસાર છે. હજી વરસાદની જરૂર તો છે. જો આ માસના અંત સુધી વરસાદ પડે તો ચોમાસું પાક તો સારો ઊતરે સાથે રવીપાકને પણ લાભ થઈ શકે. જો કે, સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદની તો ઘટ છે જ. સુરત-અમદાવાદ-વડોદરામાં વરસાદ પડયો છે તેવો ધોધમાર વરસાદ પડયો નથી. ડેમમાં હજી પર્યાપ્ત જળજથ્થો નથી, પરંતુ આ વરસાદને લીધે તળ સાજાં થઈ ગયાં છે. આવનારા સમય પર વર્ષ કેવું જશે તેનો મદાર રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd