• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

પીએફ કપાત બેઝિક પગાર મર્યાદા વધીને 25 હજાર

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકારે બુધવારે દેશના લાખો કર્મચારીઓને લાભ આપી તેમનાં ભવિષ્યની આર્થિક સુરક્ષાનાં હિતમાં એક મોટો ફેંસલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) માટે બેઝિક પગારની મર્યાદા 15 હજારમાંથી વધારીને 25 હજાર કરી દેવાઈ હતી. બાર વર્ષના લાંબાગાળા બાદ આ પગાર મર્યાદામાં વધારાનો અમલ આવતીકાલ ગુરુવારે યોગાનુયોગ વિશ્વકર્મા જયંતીથી થઈ જશે. આ પગલાંથી દેશના 51 લાખ કર્મચારીને ફાયદો થશે અને સરકારને નવા નિર્ણયનો અમલ થવા પછી 11,339 કરોડ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ  બેઠક બાદ જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ ફેંસલાથી કર્મચારી સમુદાયને પીએફ બચત અને પેન્શનમાં સીધો ફાયદો મળશે. ભલે માસિક પગારની રકમમાં થોડોક ઘટાડો આવશે, પરંતુ આ પગલું કર્મચારીઓની લાંબાગાળાની આર્થિક સુરક્ષાનાં હિતમાં બેહદ મહત્ત્વનું પૂરવાર થશે. દેશના અનેક ભાગોમાં કૌશલ્ય વિહોણા  કર્મચારીઓનો કમસેકમ પગાર 15 હજાર રૂપિયાથી વધુ થઈ ગયો હોવાથી 2014માં નક્કી કરાયેલી આ મર્યાદામાં બદલાવની જરૂર જણાઈ હતી. અત્યાર સુધી 15 હજાર રૂપિયાથી વધુ બેઝિક પગારવાળા કર્મચારીઓનું પીએફ કાપવું કે ન કાપવું તે તેમની મરજી પર આધાર રાખતું હતું. નવા નિર્ણય હેઠળ પીએફ માટે બેઝિક પગારની મર્યાદા વધારીને 25 હજાર રૂપિયા કરાતાં પીએફ કપાતથી કર્મચારીની બચત વધશે અને નિવૃત્તિ વખતે મોટું ભંડોળ મળી શકશે. પીએફમાં 25 હજાર રૂપિયાની બેઝિક પગારની નવી મર્યાદામાં ફરજિયાત કપાતનો મતલબ સરળ રીતે સમજીએ તો જો કોઈ કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું 25 હજાર કે તેનાથી ઓછું છે તો કંપની, નોકરી દાતાએ તેવા કર્મચારીને પીએફમાં સામેલ કરવા અનિવાર્ય છે. પહેલાં 15 હજારથી વધુ બેઝિક પગારવાળા કર્મચારીઓ માટે આ વૈકલ્પિક વ્યવસ્થા હતી. બીજી તરફ, બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું 25 હજાર રૂપિયાથી વધુ છે, તો નવા જોડાયેલા કર્મચારી માટે પીએફ ફરજિયાત નથી. સરકારના જણાવ્યાનુસાર બેઝિક પગારની મર્યાદા વધતાં વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળશે. ખાસ કરીને આ નિર્ણયનાં કારણે નવા નોકરીમાં જોડાયા છે, તેવા કર્મચારીઓને વિશેષ લાભ થશે. સરકારનાં સત્તાવાર નિવેદન મુજબ પીએફથી બચત, પેન્શન સુરક્ષા તેમજ કર્મચારીની થાપણ  સાથે જોડાયેલી વીમા યોજનાની સુરક્ષાના લાભો પણ મળશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd