• મંગળવાર, 24 માર્ચ, 2026

મેસ્સીની વધુ એક સિદ્ધિ : મહાન પેલેનો વિક્રમ તોડયો

ન્યૂયોર્ક, તા. 23 : આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનલ મેસ્સીએ મેજર લીગ સોકર ટૂર્નામેન્ટમાં ગઈ કાલે રાત્રે તેનાં નામે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ઇન્ટર મિયામી તરફથી રમી રહેલ મેસ્સીએ એમએલએસ લીગમાં ન્યૂયોર્ક સિટી વિરુદ્ધ મેચમાં બ્રાઝિલના ફૂટબોલ લિજેન્ડ કિંગ પેલેનો એક રેકોર્ડ તોડયો હતો. આ મેચમાં મેસ્સીની ટીમ ઇન્ટર મિયામીનો ન્યૂયોર્ક સિટી ટીમ સામે 3-2 ગોલથી રોમાંચક વિજય થયો હતો. મેચમાં મેસ્સીએ 61મી મિનિટે ફ્રી કિકથી ગોલ કર્યો હતો અને રેકોર્ડ બૂકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 38 વર્ષીય મેસ્સીએ તેની કેરિયર દરમિયાન ફ્રી કિકથી 71 ગોલ કર્યા છે જ્યારે પેલેનાં નામે 70 ગોલ છે. આ મામલે મેસ્સીથી આગળ હવે ફકત જુનિન્હો પેરનામબુકાનો છે. તેણે ફ્રી કિકથી કુલ 77 ગોલ કર્યા છે જ્યારે રોનાલ્ડીન્હો અને વિકટર લેગ્રોટેગિલે ફ્રી કિકથી 66-66 ગોલ કર્યા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મેસ્સીએ ગત સપ્તાહે જ કેરિયરના 900 ગોલ પૂરા કર્યા છે. આવું કરનારો તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો બીજો ખેલાડી છે.

Panchang

dd