ભુજ, તા. 23 : આગામી
તા. 29 માર્ચના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની
કારકિર્દી માટે મહત્ત્વની પરીક્ષા `ગુજકેટ'નાં સૂચારુ સંચાલન અર્થે
કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા
શિક્ષણાધિકારી સંજય પરમારે સૌને પરીક્ષાની ગંભીરતા સમજાવી પારદર્શક રીતે પરીક્ષા
યોજાય તેના પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ પરીક્ષાના
તમામ તબક્કે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી પરીક્ષા સફળ બનાવવા સૂચનો કર્યાં હતાં.
વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક
આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. ત્રણ સેશન (ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને ગણિત)માં યોજાનારી આ પરીક્ષામાં સ્થળ સંચાલકો તેમજ
ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. આજની બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ
અધિકારી, જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય, એસ.ટી., આરોગ્ય, પી.જી.વી.સી.એલ.ના
અધિકારીઓ અને ઓબ્ઝર્વરો ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ અધિકારી પરેશભાઈ અજાણી અને ટીમે
વ્યવસ્થા સંભાળી હતી.