વિથોણ (તા. નખત્રાણા), તા. 23 : કુદરતી
આફતોએ ખેડૂતોની બન્ને સિઝન બગાડી છે. ખરીફ પેદાશો પાછોતરા વરસાદે ધોઇ નાખી અને રવી
ફસલ હવે વાવાઝોડાં અને વરસાદનો ભોગ બની છે. નખત્રાણા પંથકની ખેતી ઉપર પાછલાં બે
વર્ષથી કુદરત કોપાયમાન છે. ખેડૂતો એક સાંધે ત્યાં અઢાર તૂટે છે. આવી પરિસ્થિતિમાં
ખેતી પેદાશો લેવી ખૂબ જ કપરું કાર્ય બની ગયું છે. ખેડૂતોની કમાણી ઉપર કુદરતે પાણી
ફેરવી દીધું છે. ખેતીની તમામ ફસલોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તેવું કિસાનો
કહે છે. વર્તમાનના તોફાન અને કમોસમી વરસાદી ખેડૂતોની હાલત ફોફડી બનાવી દીધી છે.
બાગાયતી પાકોનું બાળ મરણ થયું છે,
કેરીના કુમળાં ફળો ખરી પડયાં છે, વાયરાએ
દાડમના ફળો અને છોડને ભાર જફા પહોંચાડી છે, તો બીજીબાજુ
ઇસબગુલનું તો પલળી જવાથી ફિડલું વળી ગયું છે. અને ખાવાનું જીરૂં કાળું પડી જવાથી
બજારમાં કોઇ કિંમત મળતી નથી. ખેતી પેદાશોમાં નુકસાન થવાથી ખેડૂતોએ સરકાર પાસે
વળતરની અને પાક ધિરાણ માફ કરવાની માગણી કરી છે. હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતોમાં
સતત ભય જોવા મળે છે. કિસાન અગ્રણીઓએ વહેલી તકે નુકસાનીના સર્વે કરીને ભોગ બનેલા
ખેડૂતોને તાત્કાલીક સહાય કરવા જણાવ્યું છે. સાંયરા (યક્ષ)ના ખેડૂત પરસોત્તમભાઇ
વાસાણીએ જણાવ્યું કે, નુકસાની ખૂબ જ થઇ છે. લગભગ તમામ
પેદાશોને માઠી અસર થઇ છે, જેમાં નાના ખેડૂતો માટે તો આભ
ફાટયા જેવી સ્થિતી થઇ છે. પંથકના સાંગનારા, અંગિયા, ધાવડા, દેવપર, સાંયરા, ભડલી, થરાવડા, આણંદસર, આંણદપર, પલીવાડ, રાણારા,
કલ્યાણપર, લક્ષ્મીપર, મણીપર,
માધાપર, લાખાડી વિગેરે ગામના ખેડૂતોની ખેતીને
નુકસાન થયું છે. આણંદસરના ખેડૂત ગંગારામભાઇના જણાવ્યા મુજબ બે વર્ષથી કેસર કેરીઓ
આકાશી આફતને ભેટ ચડી જાય છે.