નવી દિલ્હી, તા. 23 : દિલ્હી
કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ પર નાખુશી વ્યકત
કરી છે. દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણી અને કેપ્ટન અક્ષર પટેલની આજે પત્રકાર
પરિષદ યોજાઈ હતી. આ તકે અક્ષર પટેલને આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે સવાલ
થયો હતો. જેના પર અક્ષરે જણાવ્યું કે આ નિયમ ઓલરાઉન્ડરની ભૂમિકા સીમિત કરે છે. હું
એક ઓલરાઉન્ડર છું એટલે મને આ નિયમ પસંદ નથી. પહેલા ટીમમાં એવા ખેલાડી પસંદ થતાં જે
બેટ અને બોલથી યોગદાન આપી શકે. હવે દરેક ટીમો અલગ અલગ વિશેષજ્ઞ ખેલાડીઓને
પ્રાથમિકતા આપે છે. જો કે આ નિયમ છે એટલે તેનું પાલન કરવાનું રહેશે. અક્ષર પટેલે
જણાવ્યું કે તે આ સીઝનમાં ફુલ્લી ફિટ છે અને ટીમ માટે જરૂરત મુજબની ભૂમિકા ભજવવા
તૈયાર છે જ્યારે દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણીએ જણાવ્યું કે ઇમ્પેક્ટ પ્લેયર
નિયમથી ટી-20 ક્રિકેટમાં આક્રમકતા વધી છે. હવે 180 સ્કોર
સુરક્ષિત મનાતો નથી. ટીમો મોટા સ્કોર કરી રહી છે. આ બદલાવ આધુનિક ક્રિકેટનું રૂપ
છે.