• મંગળવાર, 24 માર્ચ, 2026

ગામડાંના લોકોની પાણી ઠંડું રાખવા અનોખી કળા

કોટડા (ચ.), તા. 23 : કચ્છના પરંપરાગત હુન્નર અને કારીગરી માટે જાણીતા ભુજ તાલુકાનાં કોટડા ચકાર-કુકમા પંથકમાં પણ આવી જ એક અનોખી કળા જોવા મળી રહી છે, જ્યાં સામાન્ય લોકો પોતાની પાસે રહેલી દોરી ગૂંથવાની કુશળતા દ્વારા રાજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી ઠંડું રાખવું એક પડકારરૂપ બનતું હોય છે. ખાસ કરીને ખેતર કે મજૂરી કામે જતા લોકો માટે પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી ઝડપથી ગરમ થઈ જાય છે. અગાઉના સમયમાં લોકો બોટલને ઠંડી રાખવા માટે શણની કોથળી અથવા સુતલીનો ઉપયોગ કરતા હતા. આધુનિક યુગમાં લોકો મોંઘી વોટર બોટલ, વોટર જગ, કૂલ બોટલ કવર જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેમજ શહેરોમાં પણ આવી દોરી અને કલરવાળા દોરા બોટલ લોકો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે  કોટડા ચકાર-કુકમા પંથકના લોકો જેમને દોરી ગૂંથવાની પરંપરાગત કળા આવડે છે, તેઓએ કલરવાળા દોરા અને દોરીનો ઉપયોગ કરીને બોટલ પર આકર્ષક ગૂંથણી શરૂ કરી છે. આ ગૂંથણી બોટલને માત્ર સુંદર બનાવે છે એટલું જ નહીં, પરંતુ પાણી લાંબા સમય સુધી ઠંડું રહેવામાં પણ મદદરૂપ બને છે. સાથે સાથે બોટલ પકડવામાં સરળતા રહે છે. કાર્ય માટે કોઈ ખાસ તાલીમ કે મોટો ખર્ચ જરૂરી નથી. સામાન્ય દોરી અને કલરવાળા દોરા દ્વારા લોકો પોતાની જરૂરિયાત મુજબ બોટલ કવર તૈયાર કરી રહ્યા છે. કેટલાક લોકો અન્ય માટે પણ આવી ગૂંથણી કરીને આપે છે, જેમાં એક બોટલ દીઠ અંદાજે રૂા. 50થી 150 સુધી લેવામાં આવે છે તેવું ગરવા મારાજે કહ્યું હતું. કોટડા ચકાર-કુકમા વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી કળાત્મક કામગીરી આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મોંઘા વિકલ્પોની સામે આ સરળ અને ઉપયોગી ઉપાય લોકોને વધુ પસંદ પડી રહ્યો છે. સામાન્ય લોકો પોતાની પરંપરાગત કળાને જાળવી રાખીને કલરવાળા દોરા અને દોરીની મદદથી રાજિંદા જીવનમાં નવી ઉપયોગિતા ઊભી કરી રહ્યા છે, જે અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે.

Panchang

dd